ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ગામમાં મોહનેશ્વર મહાદેવ મંદિરની સામે કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે ગૌશાળાના સ્વાવલંબન હેતુ પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉદઘાટક તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ સચિવ ડો. હર્ષિલકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલે પંચગવ્યનું મહત્વ અને અત્યારના સમયમાં તેની જરૂરીયાત ઉપર ભાર મુકયો હતો. નાયબ સચિવ ડો. હર્ષિલભાઈ પટેલે આ શિબિરના આયોજન બદલ આયોજકો અને ભાગ લેનાર તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શશીકાંતભાઈ પટેલે ગાય આધારિત ખેતી અને પ્રોડકટ વિશે સૌને માહિતગાર કર્યા હતા. સવારે ૮થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાયેલી આ શિબિરમાં તજજ્ઞ તરીકે પંચગવ્યસિધ્ધ ઠાકોરભાઈ ડી. પટેલ, કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંદિપભાઈ ડી. દેસાઈ અને ધરમપુરના શેરીમાળ ગામની ગોપી ગૌશાળાના વિઠ્ઠલભાઈ એમ.ગરાસિયા દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત તાલીમાર્થીઓને પંચગવ્ય ઉત્પાદન અંગે થિયરી અને પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવ્યુ હતું.