ગુજરાત એલર્ટ । વલસાડ
આગામી દિવસોમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવનાર છે ત્યારે આગળ કયા ફિલ્ડમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારર્કિદી બનાવવી તે અંગે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેક પ્રશ્નો ઉદભવતા હોય છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે આવેલી ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.દિપકભાઈ ધોબીના માર્ગદર્શન હેઠળ નવી પહેલ કરવામાં આવી છે.
ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં કાર્યરત વર્ગ બે ના અધિકારીઓ ડૉ. દિપક ધોબી, પ્રો.યોગેશ હળપતિ, ડૉ.હિરેન પટેલ, ડૉ.ફાલ્ગુની શેઠ, પ્રો.અંજલિ દરજી અને પિંકલ પટેલ દ્વારા ધો.૧૧ અને ૧૨ સાયન્સની વિવિધ સ્કૂલોમાં સામે ચાલીને જઈ વિદ્યાર્થીઓને કેરિયર અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું પણ સચોટ નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન એક વિદ્યાર્થીએ એસ્ટ્રોલોજીમાં કારકિર્દી બનાવવા માટે શું અભ્યાસ કરવો પડે? તો અન્ય એક વિદ્યાર્થીએ અભ્યાસ કરતા કરતા નોકરી કરી શકાય કે કેમ? અન્ય એક વિદ્યાર્થીએ એવો પ્રશ્ન કર્યો કે, એવી કઈ કોલેજો છે કે ક્યાં એક્સટર્નલ અભ્યાસ કરી સાથે જોબ પણ કરી શકાય?, ધો. ૧૨ સાયન્સ પછી કયા ફિલ્ડમાં ઉજ્જવળ કારકિર્દી બની શકે?, સાહેબ, ઓછા સમયમાં કયા ફિલ્ડમાં સારૂ કેરિયર બનાવી શકાય? એક્સ સ્ટુડન્ટ તરીકે બીએસસીની ડિગ્રીનો અભ્યાસ કરી શકાય કે કેમ?, યુપીએસી અને જીપીએસસીની પરીક્ષા માટે કયા વિષય ઉપયોગી થઈ શકે સહિતના વિવિધ પ્રશ્નો વિદ્યાર્થીઓએ ફેકલ્ટી સમક્ષ રજૂ કર્યા હતા. જે અંગે વિસ્તૃત સમજ સાથે સરકારી વિજ્ઞાન કોલેજના વર્ગ – બે ના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં ઉમરગામ તાલુકાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ભીલાડ, બી.એમ.એન્ડ બી.એફ વાડિઆ હાઇસ્કૂલ ફણસા, શાહ જે.જી.એસ. હાઇસ્કૂલ – ખતલવાડા, શ્રીસ્વામિનારાયણ હાઇસ્કૂલ ભીલાડ, એન.એમ વાડિઆ(ટાટા વાડિઆ) હાઇસ્કૂલ નારગોલ, ગવર્મેન્ટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી હાઇસ્કૂલ તુંબ, કે.ડી.બી. હાઇસ્કૂલ સરીગામ અને વાપી તાલુકાની આર.જી.એ.એસ. હાઇસ્કૂલ અને ઉપાસના લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારર્કિદી માટે કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામ્સ યોજવામાં આવ્યા હતા.
જેના દ્વારા અંદાજે ૬૦૦ થી ૭૦૦ વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને બીએસસી તેમજ શૈક્ષણિક કારકિર્દી અને સનદી પરીક્ષાઓ અંગે ઉપયોગી માહિતી મળી હતી.