વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક મળી: કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણી અર્થે આયોજન કરાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ – ૩ ની જગ્યા પર ભરતી માટે તા. ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ પરીક્ષા લેવાનાર હોવાથી જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને પરીક્ષાના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી.
વલસાડ જિલ્લામાં રવિવારે તા. ૨૨ ડિસે.ના રોજ ૧૦ શાળાના ૧૦૨ વર્ગખંડમાં કુલ ૨૪૪૮ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણી અર્થે બેઠક દરમિયાન કલેકટરશ્રીએ સૂચના આપી હતી. જેમાં ખાસ કરીને પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટર બંધ રાખવાના રહેશે. પરીક્ષા કેન્દ્રની આજુબાજુ બિનજરૂરી ટોળા ભેગા ન થાય, કોઈ અનઅધિકૃત વ્યક્તિ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશે નહી, પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા ચાલતી હોય તે સમયે પરીક્ષાને લગતી અનઅધિકૃત લેખના સામગ્રી પરીક્ષા કેન્દ્રમાં લઈ ન જાય તે અંગે સૂચના આપી હતી. પરીક્ષાના આગલા દિવસે તા. ૨૧ ડિસે.ના રોજ બેઠક વ્યવસ્થા આખરી કરવાની રહેશે. દરેક બ્લોકમાં ૨૪ ઉમેદવારો બેસશે.
પરીક્ષા સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી લેવાશે. જેથી પરીક્ષાના પેપરના ૩૦ મીનિટ પહેલા એટલે કે ૧૦-૩૦ કલાકે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. ૧૦-૫૦ પછી કોઈ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહી. આ સિવાય પ્રવેશપત્ર ન હોય તેવા ઉમેદવારોને પણ પ્રવેશ મળશે નહી.
બેઠક દરમિયાન આયોગ ભવન ગાંધીનગરથી જિલ્લાના તમામ કેન્દ્રોના પ્રશ્નપત્ર વિતરણ મેળવવા માટે નાયબ કલેકટર કક્ષાના અધિકારીની આયોગના નિરીક્ષક તરીકે જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયાની નિમણૂક કરવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાં, જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલ, શિક્ષણ નિરિક્ષક બીપીન પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયા, જિલ્લા તિજોરી અધિકારી અતુલ ધોરાજીયા, વીજ કંપનીમાંથી આર.એન.નાયકા, આરોગ્ય ખાતામાંથી યોગેશ પટેલ અને પોલીસ વિભાગમાંથી તેજસ દેસાઈ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!