વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી: સરકાર હસ્તકના ધરમપુરના નાની વહીયાળ સ્થિત રાજમહેલને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા નિર્ણય લેવાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ તિથલ બીચ અને વિલ્સન હિલના વિકાસ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં વલસાડ-ડાંગના નવા ચૂંટાયેલા સાંસદશ્રી ધવલભાઈ પટેલનું જિલ્લા કલેકટરશ્રીએ સ્વાગત કર્યુ હતું. બેઠકમાં વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ પ્રાંત અધિકારીશ્રી દ્વારા તિથલ સ્વામિનારાયણ મંદિર, ઘડોઈ ગામમાં ઘાટકેશ્વર મહાદેવ મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવા, વલસાડ તાલુકાના ભૂતસર ગામમાં શ્રી મહાલક્ષ્મી મંદિરનો વિકાસ કરવા, નનકવાડા ખાતે આવેલા તળાવનું બ્યુટીફિકેશન અને દાંતી કકવાડી દરિયા કાંઠે પ્રવાસીઓ માટે બીચ બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તિથલ સ્વામીનારાયણ મંદિર અને ભૂતસરનું મહાલક્ષ્મી માતાના મંદિરના વિકાસ માટે ટ્રસ્ટી મંડળ ૨૦ ટકા લોકફાળાની રકમ ભરવા સંમત હોવાનું જણાવતા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જ્યારે નનકવાડા તળાવ અને દાંતી કકવાડી બીચ માટે મામલતદારનો અભિપ્રાય બાદ નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું.
ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષકશ્રી દ્વારા પારનેરા હિલ સ્ટેશન પર વધારાના કામો બાબતે ચર્ચા થતા ધારાસભ્યશ્રી ભરતભાઈએ શિવાજી મહારાજ સાથે જોડાયેલા આ પ્રાચીન કિલ્લાની જાળવણી પર વધુ ભાર મુકયો હતો. ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈએ ધરમપુરના વાઘવળ ગામમાં શંકર ધોધ ઈટો ટુરિઝમ ખાતે લોકોની સુરક્ષા સલામતી વધારવા માટે ટોઈલેટ, વ્યુઈંગ ગેલેરી સહિતના કામો અંગે રજૂઆત કરી હતી.
ધરમપુરના પ્રાંત અધિકારીશ્રીએ પંગારબારી સ્થિત વિલ્સન હિલના નિભાવણી અને સંચાલન બાબતે ચર્ચા કરતા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ અને જીતુભાઈએ વિલ્સન હિલ પર સૌ પ્રથમ પાણી પહોંચાડવા અને ટોઈલેટમાં પણ પાણી આવે તે માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. ધરમપુરના નાની વહીયાળ ગામે સરકાર હસ્તકના રાજમહેલને હેરીટેજ તરીકે વિકસાવવા માટે ધારાસભ્ય અરવિંદભાઈએ રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારીશ્રીએ આ અંગે કહ્યું કે, સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું છે અને ત્યાં રિવર ફ્રન્ટ પણ બની શકે અને બોટીંગ પણ થઈ શકે તેમ છે. જેથી કલેકટરશ્રીએ નાની વહીયાળના રાજમહેલને મોટા પ્રોજેક્ટ તરીકે હાથ પર લઈ તેના વિકાસ અને જાળવણી માટે સૂચન કર્યુ હતું. કપરાડાના અંતરિયાળ એવા વીરક્ષેત્રને ધાર્મિક તથા પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.
વલસાડ પ્રાંત અધિકારી અને માર્ગ મકાન વિભાગ (રાજ્ય)ના કાર્યપાલક ઈજનેરે તિથલ દરિયા કિનારાના પ્રગતિ હેઠળના કામોની ચર્ચા કરતા સાંસદશ્રી ધવલભાઈએ પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા ન હોવાથી પાળી તેમજ દાદર પર બેસવુ પડે એમ હોવાનું જણાવી બાકડા મુકવા સૂચન કર્ય હતું. ધારાસભ્યશ્રી ભરતભાઈએ તિથલ બીચ પર હાઈમસ્ટ લાઈટ મુકવા કહ્યું હતું. કલેકટરશ્રીએ તિથલ બીચ રાત્રિ દરમિયાન પણ દમણની જેમ ઝગમગે તે રીતે વિકાસ કરવા જણાવી વધુમાં કહ્યું કે, તિથલ બીચ વલસાડ જિલ્લાની ઓળખ સમાન છે આ બીચ પર સ્વચ્છતા જળવાઈ તેના ઉપર પણ વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
પારડી પ્રાંત અધિકારીશ્રીએ ઉમરગામ તાલુકામાં આવેલા દરિયા કિનારાના વિકાસના કામ, કલગામ હનુમાન મંદિર, મરોલી ભૈરવ મંદિર કરજગામ, કનાડુ જોગમેડી માતા મંદિર અને ભીલાડનું ભીલકાઈ મંદિર તેમજ પારડીના ડુમલાવમાં તળાવ બ્યુટીફિકેશન અંગે જણાવતા ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે ઉમરગામમાં જ્યાં પણ પ્રવાસન સ્થળોના વિકાસના કામો થાય ત્યાં જરૂરી મંજૂરી સત્વરે આપવા અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!