વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને પુરવઠા સલાહકાર સમિતિ અને તકેદારીની બેઠક મળી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિ અને તકેદારીની બેઠક જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વ્યાજબી ભાવની દુકાનનું સ્થળ ફેર કરવા બાબત, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણ અને ઈ-કેવાયસીની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.
વલસાડ શહેરના રામવાડી ખાતે રામ એપાર્ટમેન્ટના જી-૫ માં સૂર્યપ્રકાશ પ્યારચંદ ખટીક હાલ વ્યાજબી ભાવની દુકાન ચલાવતા પરંતુ આ એપાર્ટમેન્ટની એક બાજુની બારી ઉપરનું છાજીયુ તૂટી પડતા પાલિકા દ્વારા બિલ્ડિંગ ડિમોલિશનનો નિર્ણય લેવાતા સ્થળ બદલવામાં આવ્યું છે. હવેથી વ્યાજબી ભાવની દુકાન ઘર નં. ૯/૫૯, જળદેવી મંદિરની બાજુમાં, લુહાર ટેકરા, રામવાડી, વલસાડ ખાતે કાર્યરત થશે. વલસાડના દિક્ષિત મહોલ્લા ખાતે હનુમાન શેરીમાં મકાન નં. ૧૦૩૩માં નિલમ અંકિત રાણા વ્યાજબી ભાવની દુકાન ચલાવતા હતા પરંતુ મકાન માલિક દ્વારા દુકાન ખાલી કરવા જણાવતા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન હવે મકાન નં. ૧૩૮૯, સિપાઈવાડ, માલવિયાજી રોડ, જગન્નાથ મંદિર પાસે, વલસાડ ખાતે કાર્યરત થશે. વલસાડના કોસંબા-૨ ખાતે ગણેશ નગરમાં ઘર નં. ૧૫૭૬માં મેલ્વિન ટી.ટંડેલ કંટોલ ચલાવતા હતા પરંતુ હાલના આ સ્થળે ઘરનું બાંધકામ કરવાનું હોવાથી સ્થળ બદલવાની જરૂર પડતા હવેથી કંટોલ દુકાન નં. ૨, શ્રીરામ રેસિડેન્સી, કોસંબા ખાતે ચાલશે. પારડી તાલુકાના ઓરવાડ ગામમાં પરિયા રોડ પર ફકીરભાઈ ઉમરભાઈ શેખ કંટોલ ચલાવે છે પરંતુ દુકાનના મકાન માલિક મકાન ઘણુ જૂનુ અને જર્જરિત થતા તેને તોડી નવુ મકાન બનાવવા માંગતા હોવાથી દુકાન ખાલી કરવા જણાવે છે. જેથી હવેથી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ઘર નં. ૨૨૨૨, તિઘરા રોડ, ઓરવાડ, તા.પારડી, જિ.વલસાડ ખાતે ચાલશે. જેની રેશન કાર્ડ ધારકોને નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારીએ બેઠકમાં જણાવ્યું હતું.
તકેદારીની બેઠકમાં આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં લાભાર્થીઓની સંખ્યા વધારવા, પુરવઠા વિષયક નિયત ધોરણે તપાસણી અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ અંગે ચર્ચા થઈ હતી.

બેઠકમાં ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયા, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ, જિલ્લાના અગ્રગણ્ય નાગરિક દિનેશચંદ્ર ભાનુશાલી, જિલ્લાના માન્ય ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ રૂપેશ પટેલ અને જિલ્લાના વેપારી મંડળના પ્રતિનિધિ સમીર મપારા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!