ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પંચાયતની આઇસીડીએસ શાખા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અને પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે વલસાડ તાલુકાના ચંદ્રમૌલેશ્વર મંદિર હોલ ખાતે “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” થીમ પર કિશોરી મેળો યોજાયો હતો. જેમાં ૨૫૦ લાભાર્થી હાજર રહ્યા હતા.
વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે કિશોરી મેળાના મહત્વ વિશે જાણકારી આપી અને કિશોરીએ પોતાની જાતનું રક્ષણ કેવી રીતે કરવું એના વિશે માહિતી આપી હતી. આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર નિલમ પટેલે કિશોરી મેળાની રૂપરેખા અને યોજનાકીય માહિતી આપી હતી. આરોગ્ય સમિતિ ચેરમેન કલ્પનાબેન પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. ઉપસ્થિત સૌએ પ્રતિજ્ઞા લીધી હતી. સિગ્નેચર ડેશબોર્ડ પર મહાનુભાવો દ્વારા સિગ્નેચર કરવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ બી.જી.પોપટ દ્વારા ચાઇલ્ડ મેરેજ એક્ટ, મફત કાનૂની સહાય, પોકસો એક્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પી.એસ.આઇ. કે.કે.પરમાર દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિશે અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ અને ૧૮૧ હેલ્પલાઇન નંબરની માહિતી આપી હતી. વલસાડ આઈટીઆઈના પ્રિયંકાબેને સરકારની વિવિધ I.T.I. અને કૌશલ્ય વર્ધક કેન્દ્રના કોર્ષની વિગતવાર માહિતી આપી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઈ દ્વારા મહિલા બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાઓ વ્હાલી દીકરી યોજના તેમજ વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. હરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. અંજના પટેલ દ્વારા કિશોરીઓના આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ વિશેની માહિતી અને એનિમિયાના નિરાકરણ માટેના લેવાતા પગલાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રેલ્વે પોલીસ વિભાગ દ્વારા રેલ્વે મુસાફરી કરતી વખતે રાખવાની કાળજી અને હેલ્પલાઇન નંબર ૧૦૯૮ વિશે માહિતી આપવામાં આવી હતી. માતા વિનાના બાળકોને હુંફ અને પ્રેમ આપનાર આંગણવાડી વર્કર બહેનોનું સન્માન કરાયું હતું. પૂર્ણા શક્તિ કિશોરી કુંજલબેને આંગણવાડીના અનુભવ જણાવ્યા હતા. બાળ વિકાસ યોજનાના પૂર્ણા કન્સ્લટન્ટ મુમુક્ષાબેને આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી કમલેશ એ. ગિરાસે, બાળ વિકાસ યોજનાના અધિકારી પારડી-૧ હસુમતીબેન, જિલ્લા બાળ સુરક્ષા એકમના લિગલ કમ પ્રોબેશન ઓફિસર ધારાબેન, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર કર્મચારીઓ, સખી વન સ્ટોપ સેન્ટર કર્મચારીઓ, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ કિશોરીઓ હાજર રહી હતી.