ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડુ ગામમાં વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતો સાથે કિસાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ૩ હજાર લીટર જીવામૃતનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. સાથે જ રાસાયણિક ખેતીથી થતા નુકસાન વિશે ખેડૂતોને માહિતગાર કરાઈ રહ્યા છે. આ સંદર્ભે ઉમરગામ તાલુકાના કનાડુ ગામમાં જતીનભાઈના ઘરે પ્રાકૃતિક ખેતી અંગેના માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૫ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આત્મા વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી. એન. પટેલે હાલમાં પ્રાકૃતિક ખેતી કેમ જરૂરી છે તે વિશે વિગતવાર માહિતી આપી રાસાયણિક ખેતીથી થતા નુકસાન અને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર વિમલ પટેલ પણ હાજર રહ્યા હતા. ઉમરગામ તાલુકાના અન્ય ખેડૂતો હસમુખભાઈ ભંડારી અને કાંતિભાઈ ભંડારી દ્વારા પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી દ્વારા પેદા થયેલી કૃષિ પેદાશો પ્રદર્શન માટે રાખવામાં આવી હતી. ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી વિશે પોતાના અનુભવો અંગે ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તુષાર ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું.