ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિધ્ધ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ખાતે પંચવટીમાં શ્રી રામ કુટીર આવેલ છે. ત્રેતાયુગમાં શ્રી રામ તથા સીતામાતાએ ૧૪ વર્ષના વનવાસ દરમ્યાન સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થઈને કેવું આદર્શ જીવન જીવી બતાવ્યું હતું તે અહીંયા આ ધામની પંચવટીમાં જોવા મળે છે. શ્રી રામે તેમના જીવનકાળ દરમ્યાન ક્યારેય પણ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું ન હતું એટલેતેઓ મર્યાદાપુરુષોત્તમ તરીકે ઓળખાય છે. શ્રી રામે પોતે આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ ભાઈ અને આદર્શ રાજા તરીકે જીવન જીવીને સમગ્ર જગતને આદર્શ કુટુંબ વ્યવસ્થા શીખવી હતી તેમજ અધર્મનો નાશ કરીને સત્ય ધર્મની સ્થાપના કરીને જગતને સત્ય-અસત્યનો ભેદ સમજાવ્યો હતો. તેમના જીવનમાંથી બોધપાઠ મેળવીને દરેક માનવીએ આદર્શ જીવન જીવવું જોઈએ.
પરંતુ અગાઉ ત્રેતાયુગમાં શ્રીરામે પ્રબોધેલી આદર્શ કુટુંબ વ્યવસ્થા અને દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણે પ્રબોધેલી આદર્શ સમાજ વ્યવસ્થા વર્તમાન સમયમાં વેરવિખેર અને છિન્ન ભિન્ન થયેલી જોવા મળે છે. સનાતન મૂળ વૈદિક સંસ્કૃતિ આજે ભુલાઈ ગઈ છે. આજનો માનવી મોટાભાગે શક્તિ પૂજા છોડીને વ્યક્તિ પૂજામાં અટવાઈ ગયેલો જોવા મળે છે, સત્કર્મ અને સત્યનું આચરણ કરવાનું છોડી દીધું છે તેમજ પ્રકૃતિનું ઘોર ખંડન કરવા લાગ્યો છે. જેના કારણે આજે વર્તમાન સમયમાં ચારેબાજુએ અંધાધુંધી, અરાજકતા, પાપાચાર, દૂરાચાર, અનીતિ, અપ્રમાણિકતા અને અત્યાચાર જોવા મળી રહ્યાં છે. આજે જગતમાં 98% અસત્યનો પ્રભાવ જોવા મળે છે અને સત્યનું આચરણ માત્ર 2% જ જોવા મળે છે!
આ ધામમાં આવેલ પંચવટીમાં શ્રી રામ કુટિરને રંગબેરંગી ફૂલો તથા લાઈટીંગથી સુશોભિત કરવામાં આવેલ હતી. તા. ૨૨-૦૧-૨૦૨૪ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે આરતી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં અસંખ્ય લોકો ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી.
આ ધામના સ્થાપક શ્રી મહાપાત્ર પાસેથી સમગ્ર જગતને મૂળ વૈદિક સંસ્કૃતિ, સનાતન ધર્મ, ઓરિજિનલ ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ, સત્યધર્મ અને કર્મ એમ બધું જ પ્રેક્ટિકલમાં શીખવા તથા જાણવા મળી રહ્યું છે. વિશ્વભરમાં પ્રત્યેક ઘર ઘરમંદિર બને, દરેક મનુષ્ય સાત્વિક શક્તિની આરાધના કરે તથા વૈદિક વિચારધારા અનુસાર જીવન જીવે, તેમજ કર્તવ્યનિષ્ઠ તથા ફરજનિષ્ઠ બને, પ્રકૃતિના નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરે તે માટે આ ધામ પુરુષાર્થ કરી રહ્યું છે.