ગુજરાત એલર્ટ | વલસાડ
વિવિધ કારણોસર શાળા છોડી જતા બાળકોને ઉંમર, સમય કે સ્થળના બાધ સિવાય અધુરૂં શિક્ષણ પુરૂ પાડવા માટે રાષ્ટ્રીય કક્ષાએ ઓપન સ્કૂલની ઉપયોગિતા ઘણી પૂરવાર થઈ છે. જેને ધ્યાને લઈ શિક્ષણનો વ્યાપ વધારવા ગુજરાતમાં પણ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) કન્સેપ્ટ અમલમાં મુકાયો છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઈચ્છતા ન હોય તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરૂ પાડવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્ય પધ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે. જેથી શાળામાં અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હોય તેવા વિદ્યાર્થીઓ ધો. ૯ થી ૧૨ સુધી ભણી શકશે.
સામાજિક- આર્થિક રીતે વંચિત જૂથો પર વિશેષ ભાર મુકીને તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની જરૂરીયાત સંતોષી શકાય તે માટેના પ્રયાસોનો ઉલ્લેખ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં કરવામાં આવ્યો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે વર્ષ ૨૦૨૩-૨૪થી માધ્યમિક વિભાગમાં ધો. ૯ અને ૧૦ તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધો. ૧૧ અને ૧૨ નો અભ્યાસ GSOSના રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે કરી શકાશે. ધો. ૧૦ – ૧૨ માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ GSOS મારફત પરીક્ષા પણ આપી શકશે. આ વિદ્યાર્થીઓ ઘર નજીકની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્મયિક શાળા તેમજ બીઆરસી ભવનમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ તેઓને અભ્યાસ માટે વિના મૂલ્યે પાઠ્યપુસ્તકો આપવામાં આવશે. જેના આધારે સ્કૂલમાં ગયા વિના ઘરેથી જ પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. માત્ર પરીક્ષા આપવા સ્કૂલમાં જવાનું રહેશે. આ ઓપન સ્કૂલમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ અને પ્રમાણપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જ આપવામાં આવશે.
હાલ કોઈ પણ સરકારી, ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડ શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે નોંધાયેલા ન હોય અથવા તો અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હોય તેવા વિદ્યાર્થીને નજીકના બ્લોક રિસોર્સ સેન્ટરથી રજિસ્ટ્રેશન કરાવવાની જવાબદારી જે તે શાળાના આર્ચાયની રહેશે. આવા વિદ્યાર્થીઓને GSOSનો લાભ મળે તે માટે શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકે સામે ચાલીને શોધીને વિદ્યાર્થીઓની નોંધણી કરાવવા માટે વાલીઓને માહિતગાર કરવાના રહેશે. વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા નજીકની શાળામાં ફોર્મ ભરવાનું રહેશે. બીઆરસી દ્વારા આવા વિદ્યાર્થીઓની પાત્રતાને ધ્યાને રાખી ચાઈલ્ડ ટ્રેકિંગ નંબરનો ઉપયોગ કરી https://www.ssagujarat.org પોર્ટલ પર નોંધણી અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જે ગામમાં ધો. ૯ થી ૧૨માં GSOSના રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ થી વધુ થાય ત્યાં નજીકમાં માધ્યમિક શાળા ઉપલબ્ધ ન હોય તો પ્રાથમિક શાળાને જે તે તાલુકાના સ્ટડી સેન્ટર ઉપરાંત સપોર્ટ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે. વિદ્યાર્થીઓની શિક્ષણની જરૂરીયાત સંતોષાય અને તેઓ પોતાની કારકિર્દી ઘડતરના પથ તરફ આગળ વધે તે માટે સહિયારા પ્રયાસ અનિવાર્ય છે. સરકારનો હેતુ સાર્થક થાય તે માટે GSOSના અમલીકરણ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી વર્ગ- ૨ ના અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
પરીક્ષા ફોર્મ રદ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પણ સ્કૂલમાંથી પરીક્ષા આપી શકશે
શાળામાં ઘણીવાર ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થી નિયમિત હાજરી ઘટના કારણે બોર્ડની પરીક્ષા માટે આવેદન ન કરી શકયા હોય અથવા શાળાએ આવેદન રદ કરાવી દીધુ હોય તેવા સંજોગોમાં પણ આવા વિદ્યાર્થીઓ ઓપન સ્કૂલમાંથી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા માટે આવેદન કરી શકશે. આમ છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા ન હોય અથવા છેલ્લી ઘડીએ રદ થયા હોય તો તેવા સંજોગોમાં પણ આ ઓપન સ્કૂલ ઉપયોગી સાબિત થશે.
વલસાડ જિલ્લામાં ૬ સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવ્યા
ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ શરૂ થયા બાદ જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવશે તે વિદ્યાર્થીઓને સરકાર તરફથી સ્ટડી મટીરીયલ્સ આપવામાં આવશે. વલસાડ જિલ્લામાં ૬ તાલુકા દીઠ એક-એક સ્થળે સ્ટડી સેન્ટર શરૂ કરાયા છે. જેમાં ધરમપુરમાં મોડલ સ્કૂલ, માલનપાડા, કપરાડામાં મોડલ સ્કૂલ, માંડવા, પારડીમાં ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ, ઉમરગામના તુંબમાં ગવર્મેન્ટ સેકેન્ડરી સ્કૂલ, વલસાડના મગોદ ડુંગરીમાં ગવર્મેન્ટ સેકેન્ડરી સ્કૂલ અને વાપીમાં ચણોદની ગવર્મેન્ટ સેકેન્ડરી સ્કૂલનો સમાવેશ થાય છે. જ્યાં આચાર્યો અને શિક્ષકો દ્વારા GSOSના રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જે તે શાળાના કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, પુસ્તકાલય અને પ્રયોગશાળા સહિત ઉપલબ્ધ સંસાધનોના ઉપયોગ માટેની વ્યવસ્થા કરવાની રહેશે.
કોણ કોણ લાભ લઈ શકે છે?
– કોઈ પણ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ના હોય અને માધ્યમિક કે કે ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
– કદી શાળાએ ન ગયેલા ન હોય અથવા શાળામાં દાખલ થયા પછી અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
– ધો. ૯ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૩ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા વિદ્યાર્થીઓ.
– ધો. ૧૦ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૪ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ.
– ધો. ૧૧ (સામાન્ય પ્રવાહ) માટે ધો. ૧૦ પાસ કરેલ વિદ્યાર્થી
– ધો. ૧૨ (સામાન્ય પ્રવાહ) માટે ધો. ૧૦ પાસ કર્યુ હોય તે પરીક્ષા વર્ષથી બે વર્ષ જેટલો સમયગાળો થતો હોય તેવા વિદ્યાર્થીઓ.