વલસાડ જિલ્લામાં પૂર્ણા દિવસે કાપડની થેલીઓ ઉપર પોષણ તથા સ્‍વચ્‍છતાના સુત્રો લખવાની હરિફાઇ યોજાઇ

વલસાડ: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત તા.૨૪મી ઓગસ્‍ટે ટીવી ચેનલ વંદે ગુજરાત-૧ ઉપર ‘મને ગર્વ છે કે હું મોટી થઈ રહી છું’, સ્‍વચ્‍છતા અને માસિક સમયનું વ્‍યવસ્‍થાપન ભાગ-૨ વિષય ઉપર સેટકોમ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં નિષ્‍ણાત તજજ્ઞો દ્વારા કિશોરીઓને કિશોરાવસ્‍થામાં પ્રવેશતા માસિકસ્ત્રાવ દરમિયાન રાખવાની કાળજી અને તેના નિવારણ અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત પૂર્ણા યોજના અંતર્ગત વલસાડ જિલ્લાની આંગણવાડીઓમાં કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાને ધ્‍યાનમાં રાખી ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે પૂર્ણ દિવસની ઉજવણીના ભાગ રૂપે કિશોરીઓ દ્વારા કાપડની થેલીઓ ઉપર પોષણ તથા સ્‍વચ્‍છતાના સુત્રો લખી શણગારવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ હરીફાઈમાં જિલ્લાની ૧પ હજારથી વધુ કિશોરીઓએ ભાગ લીધો હતો. આ કિશોરીઓ દ્વારા રંગીન મોતી, દોરા, રંગીન પેપરો, વોટર કલર અનાજ, કઠોળ વગેરે દ્વારા સુશોભિત કરી પોષણ અને સ્‍વચ્‍છતા જાગૃતિ અંગેના સંદેશાઓ આપવામાં આવ્‍યા હતા. આ હરિફાઇમાં જેમણે સારો દેખાવ કર્યો હોય એવી કિશોરીઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપી પ્રોત્‍સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્‍યા હતા. જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર, પૂર્ણા કન્‍સલ્‍ટન્‍ટ ઘટક કચેરીના બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્‍ય સેવિકા, સ્‍થાનિક પદાધિકારીઓ જિલ્લા અને ઘટક કચેરીના પોષણ અભિયાન સ્‍ટાફ જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનોના નેતૃત્‍વ હેઠળ યોજાયેલી હરીફાઈમાં કિશોરીઓએ ઉત્‍સાહભેર ભાગ લઇ સાચા અર્થમાં પૂર્ણા દિવસને સફળ બનાવ્‍યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!