ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તિથલ રોડ સ્થિત કોળી સમાજના હોલમાં ફ્રી મેડિકલ કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં 21 નિષ્ણાંત ડોક્ટરોએ દર્દીઓની ચકાસણી કરી સેવા આપી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું.
વલસાડ પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની પ્રેરણાથી આજરોજ સવારે 9:00 થી 1:00 વાગ્યા સુધી દરેક જ્ઞાતિઓ માટે બોડી ચેકઅપ કેમ્પ. અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. દરેક ડોક્ટરોએ વિનામૂલ્ય પેશન્ટોને તપાસી નિદાન કર્યુ હતું.
આ કેમ્પમાં આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક ડોક્ટરોએ પણ હાજર રહી સેવા પુરી પાડી હતી.
ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ કેમ્પમાં 21 નિષ્ણાંત ડોક્ટરોએ નાક, કાન, ગળાની ચકાસણી ઉપરાંત બ્લડપ્રેશર, ડાયાબિટીસ તેમજ અન્ય રોગના દર્દીઓની ચકાસણી કરી જરૂરી સલાહ સૂચન આપ્યું હતું. આ કેમ્પમાં રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો. ઉપરાંત કેમ્પમાં આધાર કાર્ડ બનાવવાં માટે અધિકારીઓને હાજર રાખી જરૂરિયાત મંદોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ રૂ. 500 નાં પ્રીમિયમમાં રૂ. 10 લાખનો સરકાર તરફથી પોસ્ટલ વીમો મેળવી શકાય તેનું આયોજન કરી ઉપસ્થિતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપપ્રમુખ શશીભાઈ મહેતા સહિત તમામ હોદ્દેદારોએ ખુબ મહેનત કરી હતી.