ગુજરાત એલર્ટ | ખેરગામ
જેને લાડકોડથી ઉછેર્યો એવાં બાળકને પિતાએ વિના વાંકે સાંસારિક ઝગડામાં કૂવામાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારવાનો ચોંકાવનારો બનાવ નવસારી જિલ્લાના ખેરગામમાં બન્યો છે. 14 વર્ષના પુત્રને બળજબરીથી કુવામાં ફેંક્યા બાદ તેના પિતાએ પણ કુવામાં ઝંપલાવતા દોડી આવેલાં દાદીએ પણ પૌત્રને બચાવવાં કુવામાં ઝંપલાવ્યું હતું. પરંતુ માસુમ પુત્રને બચાવી શકાયો ન હતો.
પતિ પત્નિ વચ્ચે નાની નાની બાબતોમાં થયેલાં ઝગડા પરિવારનો માળો વિખેરી નાખે છે. જ્યાં માત્ર પસ્તાવા સિવાય કશું બચતું નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના ખેરગામ તાલુકામાં પ્રકાશમાં આવી હતી. ખેરગામના પોમાપાળ ફળિયામાં રહેતા જગદીશ રસિક પટેલ (ઉં.વ.36) અને પત્ની પિનલે પ્રેમલગ્ન કર્યાં હતાં. અને બંનેના હસતા રમતા પરિવારમાં બે સંતાન પુત્ર જય (ઉં.વ.14) અને પુત્રી આયુષી સુખ પ્રાપ્ત થયું હતું. શરૂઆતમાં બધુ બરાબર ચાલતું હતું. પરંતુ બંને વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડો થતાં છેલ્લા ત્રણ માસથી પત્ની પિનલ પોતાના પિયર ભૈરવી ગામના તાડ ફળિયામાં રહેતી હતી. અને પુત્ર પણ ક્યારેક પિતાને મળવા આવતો હતો.
દરમિયાન રવિવારે પિનલ પુત્રી સાથે સાસરે રહેતા પુત્ર જયને લેવા માટે આવી રહી હતી. દરમિયાન રસ્તામાં બાઇક ઉપર આવતા પતિ જગદીશ સાથે ભેટો થઈ ગયો હતો. આથી પતિએ તેની અટકાવીને પૂછ્યું હતું કે,‘ક્યાં જાય છે? તો પત્નીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે, ‘હું જયને લેવા માટે જાઉં છું.’ આથી પતિ જગદીશ અકળાઈ ગયો હતો અને ગાડી ઉપરથી ઊતરીને પત્ની પિનલની છાતીના ભાગે ચપ્પુ ઘુસાડી દીધું હતું. આથી પત્નીએ લોહીથી લથબધ હાલતમાં પ્રતિકાર કરતાં ગળાના ભાગે બીજો ઘા કરી દીધો હતો. આ બનાવ બાદ પતિ બાઇક હંકારી ત્યાંથી જતો રહ્યો હતો. બાદ તે સીધો ઘરે પહોંચ્યો હતો. પરિવારના અન્ય સભ્ય કંઈ સમજે એ પહેલા જગદીશ પુત્ર જયને ફરવાનું બહાનું કરી ત્યાંથી લઈ એકાએક ચાલવા માંડ્યો હતો. આથી જગદીશની માતા લીલાબેન (ઉં.વ.60)ને કંઈક અજૂગતું થયાની ભનક આવી જતાં પીછો કર્યો હતો. દરમિયાન થોડે દૂર આવેલા કૂવા પાસે જગદીશે તેના જ પુત્રને ઊંચકીને ઊંડા કૂવામાં ફેંકી દીધો હતો. એ દૃશ્ય દૂરથી જોઈને માતા લીલાબેન પુત્ર જગદીશની નજીક પહોંચે ત્યાં સુધીમાં પુત્ર જગદીશે કૂવામાં ઝંપલાવી દીધું હતું. આથી લીલાબેને બૂમાબૂમ કરી મૂકી હતી. અને એ બાદ દાદી પૌત્રને બચાવવા કૂવામાં કૂદી પડી હતી. તરત જ નજીકમાં જ રહેતા લોકો દોરડા લઈ મદદે દોડી આવ્યા હતા. એક દોરડું નાંખતાં જ દાદીએ પૌત્ર જયનો હાથ પકડી દોરડું પકડી રાખ્યું હતું. જ્યારે બીજું દોરડું નાંખતાં જગદીશ કૂવામાંથી બહાર નીકળીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
સ્થાનિકોએ એ બાદ પૌત્ર અને દાદીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ ઉંમરને કારણે હાથ વડે પૌત્રનો ભાર નહીં ખમી શકતાં પૌત્રનો હાથ છૂટી ગયો હતો. આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ પત્નીને ચપ્પુના ઘા ઝીંકનારા અને પુત્રને કૂવામાં ફેંકી કાયદાને હાથમાં લેનારા જગદીશને ઝડપી લીધો હતો. બનાવની વાત વાયુવેગે ફેલાઇ જતાં પુત્રને કુવામાં ફેંકી દેનારાં પિતા સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.
કેવાં સંજોગો: માતા હોસ્પિટલમાં સારવારમાં ત્યાં જ પુત્રની લાશને પીએમ માટે લવાઈ
પિનલ પુત્ર જયનો ધો.9નો અભ્યાસ નહીં બગડે એ માટે તે પુત્રને લેવા માટે પોમાપાર આવી રહી હતી. દરમિયાન પતિએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો. દરમિયાન તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખસેડાઈ હતી. એના ગણતરીના કલાકોમાં જ પુત્રને પતિએ કૂવામાં ફેંકી દેતાં તેનું મોત થયું હતું. જેની લાશને રેફરલ હોસ્પિટલમાં જ લવાઈ હતી. દર્દથી કણસતી માતા દીકરા સાથે છેલ્લીવાર વાત પણ કરી શકી ન હતી. બસ એ ચોધાર આંસુએ રડી રહી હતી.
જગદીશે પોતાનું જ ઘર સળગાવી દેતા અગાઉ જેલનાં સળિયા ગણવા પડ્યા હતાં
જગદીશના કામધંધાનું કંઈ ઠેકાણું ન હતું. ક્યારેક ક્યારેક તો આ વાતને લઈ પરિવારમાં ઝઘડો વધી જતો હતો. જેને કારણે જગદીશ ઉપર ખુન્નશ છવાઈ જતાં પત્ની સાથે મારપીટ પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેણે ત્રણ માસ અગાઉ પોતાનું જ ઘર સળગાવી દીધું હતું. આથી તેને જેલના સળિયા ગણવા પડ્યા હતા. પરિવાર પણ તેના ગેરવર્તનને કારણે ત્રાસી ગયો હતો. આથી જ પત્ની પિનલ પિયર જતી રહી હતી.
લોકોએ કુવામાં ખાટલો નાંખી દાદીને બચાવી
દાદી લીલાબેન તરવામાં કુશળ હતી. પરંતુ કૂવો વધુ ઊંડો હોવાથી પ્રયાસ એળે જાય એમ હતા. આથી પૌત્ર જયનો હાથ પકડી રાખ્યો હતો. પરંતુ જીવ બચાવી શકી ન હતી. નજરની સામે જ પૌત્રનું મોત થતાં દાદી આઘાત પામી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના કલાકો સુધી દાદીએ હિંમત રાખી દોરડું પકડી રાખ્યું હતું. બાદ સ્થાનિકોએ ખાટલો નાંખી દાદીને હેમખેમ બચાવી લીધી હતી.