ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો અંતરિયાળ અને ડુંગરાળ આદિવાસી તાલુકો છે. આ વિસ્તારમાં એક સમયે માત્ર ખેતી દ્વારા ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હોવાથી અહીંના લોકો આસપાસના વિસ્તારમાં રોજગારી માટે પલાયન કરતા હતા. પરંતુ હવે આ પરિસ્થિતિએ સુખદ વળાંક લીધો છે. ખેતીને અને ખેડૂતોને પ્રોત્સાહન માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અહીંના લોકો મહત્તમ પ્રમાણમાં ખેતી કરી આર્થિક રીતે પગભર બની રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને અહીંના આદિવાસી ખેડૂતો પ્રકૃતિનું રક્ષણ કરી સ્વાસ્થ્યવર્ધક ખેત પેદાશોનું ઉત્પાદન કરે છે. આવા જ એક ખેડૂત છે કપરાડા તાલુકાના સિંગારટાટી ગામના ભરતભાઈ દલુભાઈ ગોભાલે, જેમણે સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડ્યા છે.
ભરતભાઈએ રાજ્ય સરકારનો આભાર માનતા કહ્યું હતું કે, આત્મા પ્રોજેક્ટ તરફથી ગાય નિભાવ ખર્ચ માટે દર મહિને રૂ.૯૦૦/-સહાય મળે છે. ખેતીમાં ગાયના મળ-મૂત્રનો ખાતર અને જંતુનાશક તરીકે તેમજ જીવામૃત અને ઘન-જીવામૃતનો ઉપયોગ કરી દરેક સિઝન પ્રમાણે ડાંગર, કેરી, દેશી ટામેટાં, વાલ (પાપડી), રીંગણ, તુવેર, તુરીયા તેમજ કાજુનું ઉત્પાદન કરૂં છું. પહેલા ડાંગરની ખેતીમાં જ આ પ્રયોગ કર્યો હતો જેમાં સફળતા મળતા બધી જ ખેતી સંપૂર્ણ પ્રાકૃતિક રીતે કરવાનો નિર્ણય કર્યો હતો. હવે છેલ્લા ત્રણ વર્ષથી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવું છું.
વધુમાં ભરતભાઈએ જણાવ્યું હતું કે, રીંગણની ખેતી દ્વારા એક સિઝનમાં આશરે રૂ.૧.૩૦/- લાખ અને પાપડીના ઉત્પાદન દ્વારા આશરે રૂ.૧.૪૦/- લાખની આવક મેળવી છે. પ્રાકૃતિક ઉત્પાદનો હોવાથી દરેક વસ્તુનું સારા ભાવે નાનાપોંઢા બજારમાં જ વેચાણ થઈ જાય છે. પાપડી રૂ. ૮૦/- થી ૧૭૦/- પ્રતિ કિલોના ભાવે વેચાણ થયું છે. હજી ઉત્પાદન શરૂ જ હોવાથી આવકમાં પણ વધારો થશે. કઠોળ અને બીજી શાકભાજીઓ દ્વારા છૂટક આવક પણ મળે છે. અહીંના લોકો રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી માટેની સહાય અને તાલીમ મળવાથી પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી અને અર્થિક રીતે પગભર પણ થયા છે.
સરકાર તરફથી મળતી પ્રાકૃતિક ખેતી માટેની સહાય દ્વારા ભરતભાઈ જેવા રાજ્યના અનેક ખેડૂતોને પગભર થવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કારણે જમીન અને પ્રાકૃતિક પાકો દ્વારા સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ રહી છે.