ગુજરાત એલર્ટ | વલસાડ
સમગ્ર રાજ્યમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ.અટલ બિહારી બાજપાઈના જન્મદિનની ઉજવણી અંતર્ગત સુશાસન સપ્તાહની તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૪થી તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
કલેક્ટરશ્રી નૈમેષ દવે જણાવ્યું હતું કે, સુશાસન સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ સારા શાસન દ્વારા લોકોની ફરિયાદોનો હકારાત્મક નિકાલ લાવવો તેમજ સરકાર અને વહીવટી તંત્રની કામગીરીથી લોકોને સંતોષ મળે તેનો છે. વર્કશોપના મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાના પૂર્વ કલેકટર રહી ચૂકેલા એલ. સી. પટેલ (આઈએએસ) એ ઉપસ્થિત રહી અધિકારીઓને જણાવ્યું હતું કે, પ્રજાના કોઈપણ પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મક અભિગમ અપનાવવાથી જ અરજદારને સંતોષ મળે છે તેમજ લોકોના દરેક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવો એ આપણી ફરજ છે. આજના યુગમાં સરકાર અને વહીવટી તંત્ર તરફ લોકોની આશાઓ વધી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતે સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક ક્ષેત્રના લોકોને મળે તેવી કામગીરી કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
વર્કશોપમાં વલસાડ જિલ્લા વિઝન- ૨૦૪૭ ની મુખ્ય ત્રણ થીમ ‘શ્રેષ્ઠ જીવન’, ‘આર્થિક સમૃદ્ધિ’, અને ‘મુખ્ય સક્ષમકર્તા’, વલસાડ જિલ્લાની સામાજિક આર્થિક ક્ષેત્રે સમૃદ્ધિ અને વિકસિત વલસાડના ધ્યેયને હાંસલ કરવા માટેની તકો અને પડકારોની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.રાજેશ્રી ટંડેલે વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં થઈ રહેલી કામગીરી અને ભવિષ્યની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ જિલ્લા પંચાયત દ્વારા ‘કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ’ અને ‘સ્સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોજેક્ટ’ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
વર્કશોપમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી અનસુયા જ્હા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે કલસરિયા, જિલ્લા આયોજન અધિકારી ભરત પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.