ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ નગરપાલિકાના સ્પોર્ટ્સ સંકુલ ખાતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા અને જિલ્લા શિક્ષણાધિકારી ભુસારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩નું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રીએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરી યોગ સ્પર્ધામાં સારૂં પ્રદર્શન કરી વલસાડ જિલ્લાનું નામ રોશન કરવા તેમજ રાજય કક્ષાએ પણ મેડલ મેળવી આવો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વલસાડ જિલ્લાના ભાઇઓ અને બહેનોએ મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લીધો હતો. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે કંઠ આહિર, બીજા ક્રમે મયંક ટડેલ અને ત્રીજા ક્રમે મહેશ ચૌધરી જ્યારે બહેનોમાં પ્રથમ ક્રમે સુસ્મિતા સંતરા, બીજા ક્રમે મીશા ટંડેલ અને ત્રીજા ક્રમે અંકિતા કાર વિજેતા રહ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને અનુક્રમે રૂ. ૨૧,૦૦૦, રૂ. ૧૫,૦૦૦ અને રૂ. ૧૧,૦૦૦ ની રાશિ તેમના બેંક ખાતામાં જમા થશે તેમજ ઈ-પ્રમાણપત્ર પણ યોગ બોર્ડ દ્વારા આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. વિજેતાઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં તા. ૩૦/૧૨/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે જવા રવાના થશે. સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન સર્વે યોગ કોચ, યોગ ટ્રેનરો અને યોગ સાધકોએ સેવા આપી હતી.
જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ. જોષી દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અને શાબ્દિક આવકાર આપ્યો હતો. જિલ્લા કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેએ સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ વલસાડ જિલ્લાનું રજિસ્ટ્રેશનમાં રાજયકક્ષાએ બીજો નંબર મેળવેલા તે બદલ સહયોગ આપનાર અધિકારીઓનો આભાર માન્યો હતો. જિલ્લા કક્ષાના કો-ઓર્ડીનેટર નિલેશભાઈ કોશીયાએ પણ આ કાર્યક્રમ સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.