ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા કલેકટર કચેરીની ડિઝાસ્ટર શાખાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કલેકટર કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને આપત્તિ સમયે જીવ બચાવવા માટે કેવી રીતે કામગીરી કરવી તે અંગે થિયરી અને પ્રેકટિકલ સમજ આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર શ્રીમતી અનસૂયા જહાએ જણાવ્યું કે, આપત્તિના સમયે એક બીજાને મદદરૂપ થવાની ભાવના સાથે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી પાસે ફાયરના સાધનો છે પણ જો તેનો ઉપયોગ કરતા ન આવડતું હોય તો તે નિરર્થક છે. હાલમાં હાર્ટ એટેકના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે સીપીઆર કેવી રીતે આપવુ તે પણ આવડતુ હોય તો આપણે કોઈકનો અમૂલ્ય જીવ બચાવી શકીએ.
પોરબંદર જિલ્લા હોમગાર્ડના સેકન્ડ ઈન કમાન્ડ અને ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકરે જણાવ્યું કે, એવા ઘણા બનાવો બન્યા છે કે જેમાં, હૃદય ફેફસા પ્રાણ પુનઃ સંચાલન (Cardio pulmonary resuscitation- CPR) થી વ્યક્તિ મોતના મુખમાંથી પરત ફરે છે પણ એટલુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે કે, શરીરના શ્વાસ બંધ હોય ત્યારે જ CPR આપવો, શ્વાસ ચાલુ હોય ત્યારે સીપીઆર આપવો નહિ. નાના બાળકોને બંને હાથથી નહિ પણ બે આંગળીથી સીપીઆર આપવું. વધુમાં તેમણે માનસિક શાંતિ અન સારવાર જીવનના દરેક તબક્કે જરૂરી હોવાનું જણાવી કહ્યું કે, જીવનમાં હંમેશા હકારાત્મક અભિગમ અને એક લક્ષ્ય રાખવુ જોઈએ. માનસિક સારવાર ન મળે તો વ્યક્તિ પાગલ થઈ જાય અથવા તો આપઘાત કરી લે છે. મેન્ટલ હેલ્થ ખૂબ જ મહત્વની છે. આ સાથે જ આપત્તિ સમયે બચાવ કાર્યમાં દોરડાનો કેવી રીતે ઉપયોગ કરવો, અસરગ્રસ્તોને કઈ રીતે ઉંચકવા, ઘા માંથી લોહી નીકળતુ હોય તો તેને અટકાવવા માટે પાટો કઈ રીતે બાંધવો, અગ્નિ શામક સિલિન્ડરનો કેવી રીતે ઉપયોગ કરવો, સીપીઆર કેવી રીતે આપવુ, સાપ કરડયો હોય તો શું કાળજી રાખવી અને પાણીમાં કોઈ ડૂબી ગયુ હોય તો તેને બહાર કાઢી કેવી રીતે જીવ બચાવવો તે અંગેની વિવિધ ટેક્નિકો ગમ્મત સાથે પ્રેકટીકલ નોલેજ સાથે સમજાવી હતી.
કલેકટર કચેરીના પટાંગણમાં વલસાડ પાલિકાના ફાયર ઓફિસર યતિન પટેલ દ્વારા અગ્નિ શામક સિલિન્ડરનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આ સિવાય ૧૦૮ ઈમરજન્સી સેવાના ઈએમટી માનસીબેન પટેલ અને પાઈલોટ બિપીનભાઈ પટેલ દ્વારા ૧૦૮ની વિવિધ સેવા અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નાયબ કલેકટર ગૌરાંગ વસાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, ડિઝાસ્ટર મામલતદાર એમ.એ. મન્સુરી, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર જયવીરસિંહ રાઓલ, નાયબ મામલતદાર અસ્ફાક સાંગરીયા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.