ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક જનહિતકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઉમરગામના માંડા ગામમાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ૫૬૮ લોકોએ ઉપસ્થિત રહી વિવિધ માહિતી મેળવી હતી. લાભાર્થીઓ માટે સરકારની મહત્વપૂર્ણ ગણાતી ૧૭ યોજનાઓ પૈકી આરોગ્યલક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, વીજ યોજના, પી.એમ.સ્વ નિધિ યોજના સહિતના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.
આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ૧૪૭ લોકોએ આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી. જેમાં ટીબીની ૪૩ અને ૩૬ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ઉજ્જવલા યોજના હેઠળ ૧૬ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલાકાર મળી કુલ ૨૧ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે નવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વિવિધ યોજનાઓના સાત લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ સરકારની યોજનાના લાભ બાદ જીવન ધોરણમાં આવેલા સુખદ પરિવર્તન અંગે લોકો સમક્ષ પોતાના અનુભવ જણાવતી સાફલ્ય ગાથા રજૂ કરી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.
કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન દુમાડા, ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.