ગુજરાત એલર્ટ । સુરત
ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનુ, હીરા, નિલમ, વગેરે સાથે 6 કિલો વજનનો મુગટ બનાવડાવ્યો હતો.
સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનાર અયોધ્યા રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના જાણિતા ઉદ્યોગપતિ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામજન્મભૂમિ તિર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભુષણોથી મઢેલો મુગટ અર્પણ કર્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશભાઇ પટેલને અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે આભુષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું. જેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાનો આભુષણોથી જડેલો મુગટ અર્પણ કરવામાં આવે.
વિહીપના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ કહ્યું કે તા.5મી જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામની કઇ મૂર્તિ બિરાજમાન કરવી તે બાબત નક્કી થઇ અને એ જ દિવસે સુરતમાં તેની ખબર આપવામાં આવી. સુરતથી ગ્રીમલેબ કંપનીના બે કર્મચારીઓને ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. ગ્રીન લેબ કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઇને સીધા સુરત આવ્યા અને એ પછી ભગવાન શ્રી રામલલ્લા માટે મુગટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું.
કુલ 6 કિલો વજન ધરાવતા મુગટમાં સાડા 4 કિલોગ્રામ સોનુ વપરાયું છે તદુપરાંત નાના મોટી સાઇઝના હીરા, માણેક, મોતી, પર્લ, નિલમ વગેરે રત્નો જડવામાં આવ્યા છે. તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુગટનું જે સ્વરૂપ સર્જાયું એ અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રાજા રામચંદ્રના મસ્તક પર અત્યંત શોભાસ્પદ બન્યું છે.
આજે અયોધ્યા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો તેની પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેમાં મંત્રી શ્રીચંપતરાયજી, વિહીપના કાર્યકારી અધ્યક્ષ આલોકજી, મહામંત્રી મિલનજી, દિનેશ નાવડીયા વગેરેની હાજરીમાં અંદાજે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે.