ગુજરાત એલર્ટ । વલસાડ
વાપીના ચલા ખાતે ગોલ્ડ કોઈન સર્કલ પાસે સ્થિત રોયલ ફોર્ચ્યુન કોમ્પેલેક્ષમાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મેડી મિત્રા એનજીઓ દ્વારા મુંબઈની કેન્સર પેશન્ટ એઈડ એસોસિએશનના સહયોગથી કેન્સરના બનાવોને અટકાવવા માટે વહેલી તકે કેન્સર ડિટેક્ટ થઈ શકે તેવા શુભ આશય સાથે કેન્સર અવેરનેસ અને અર્લી ડિટેક્શન કેમ્પ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, મેડી મિત્રા એનજીઓએ કોરોના કાળના કપરા સમયમાં દવા અને આઈસોલેશન વોર્ડ ઉભા કરવાથી માંડીને વિવિધ પ્રસંશનીય પ્રવૃત્તિ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી. કેન્સર સામે લોકોમાં જાગૃત્તિ ફેલાવવા માટે પણ પ્રવૃત્તિ થઈ રહી છે. કોઈપણ રોગને ફેલાતો અટકાવવા માટે વહેલુ નિદાન ખૂબ જ જરૂરી છે. આ એનજીઓમાં મોટી સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો જોડાયેલા છે. વાપીમાં મીની ભારતના દર્શન થાય છે. જે લોકો પણ દેશના વિવિધ રાજ્યોમાંથી વાપીમાં ધંધા રોજગાર અર્થે આવ્યા છે તે તમામ લોકોએ વાપીના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૪૭માં ભારત વિશ્વનું સૌથી મોટુ વિકસિત રાષ્ટ્ર અને ત્રીજા નંબરનું અર્થતંત્ર બને તે માટે તમામ લોકોના પ્રયાસથી આ સિધ્ધિ મેળવી શકીશું.
મેડી મિત્રાના કાર્યકર નવીનભાઈ બોહરાએ જણાવ્યુ કે, અમારી સંસ્થા દ્વારા કેન્સરના દર્દીઓની કાળજી રાખવામાં આવે છે અને જરૂર પડયે ગરીબ વર્ગના દર્દીને આર્થિક સહાય પણ કરવામાં આવે છે. મેડી મિત્રાના સભ્ય નિશાંત ચોરડીયાએ જણાવ્યું કે, આજે સ્વચ્છતા અભિયાન થકી દેશમાંથી ગંદકી સાફ થઈ રહી છે ત્યારે આપણા શરીરમાં કેન્સરરૂપી ગંદકી હટાવી તંદુરસ્ત જીવનની કલ્પના કરવાની છે. વર્ષ ૨૦૧૯માં યુવાઓના ગૃપથી મેડી મિત્રા એનજીઓની સ્થાપના થઈ અને સૌ પ્રથમ કપરાડાના આદિવાસી વિસ્તારમાં મેડિકલ કેમ્પ કર્યો હતો ત્યારબાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસ્ત્રદાન, બ્લડ કેમ્પ અને મેડિકલ સહિતના વિવિધ કેમ્પો દ્વારા સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૧૩૫૦૦ દર્દીઓનું નિદાન કરી તેઓને સ્વસ્થ કરી ચહેરા પર મુસ્કાન લાવવામાં સફળતા મળી છે. આ કેમ્પમાં આંખ, કાન, નાક અને ગળાનું ચેકઅપ અને સ્ક્રીનીંગ, PAP Smear, લોહીની તપાસ, બ્રેસ્ટ ચેકઅપ, HPV- Hybried, Capture 2 વગેરેની તપાસ કરી કેન્સરના રોગોની પ્રાયમરી સ્ટેજમાં તપાસણી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંકિત ગોહિલ અને મેડી મિત્રા એનજીઓના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કેન્સર સહિતના કોઈપણ રોગને ફેલાતો અટકાવવા માટે વહેલુ નિદાન ખૂબ જ જરૂરીઃ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
વર્ષ ૨૦૧૯માં સંસ્થાની સ્થાપના થયા બાદ અત્યાર સુધીમાં ૧૩૫૦૦ દર્દીઓના ચહેરા પર મુસ્કાન લાવવામાં સફળતા મળી