ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ એસ.ટી.ડિવિઝન કચેરી અબ્રામા ખાતે ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ ઝુંબેશ અંતર્ગત વલસાડ વિભાગના વિભાગીય નિયામક એન.એસ. પટેલની આગેવાની હેઠળ યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૭૧ બોટલ રક્ત ભેગુ થયું હતું.
સરકારના આદેશ મુજબ સ્વચ્છતા હી સેવા અભિયાન કાર્યક્રમ દરમિયાન વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે બલ્ડ બેંક, જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં એસટીના અધિકારીઓ, કર્મચારીઓ અને વર્કશોપના સ્ટાફે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યુ હતું. આ પ્રસંગે વિભાગીય નિયામક શ્રી પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયે રક્તની વધતી જરૂરિયાતને જોતા રક્તદાન કરવું જોઈએ. રોજિંદા સંચાલનની સાથો સાથ વિભાગના અધિકારી-કર્મીઓએ આજે મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કર્યું એ સરાહનીય છે.
નોંધનીય છે કે, વલસાડ એસટી વિભાગ હસ્તકના તમામ ડેપો – બસ સ્ટેશન – કંટ્રોલ પોઇન્ટ તથા વિભાગીય યંત્રાલય અને વિભાગીય કચેરી ખાતે અધિકારીઓ – કર્મચારીઓ દ્વારા શ્રમદાન તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.