ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ દરમિયાન ચૂંટણી જાહેર થયા બાદ તુર્તજ ઉમેદવારો અને રાજકીય પક્ષોને જાહેરસભા, રેલી, સરઘસ, વાહનો અને લાઉડ સ્પીકર તેમજ હેલીપેડના ઉપયોગ જેવી વિવિધ ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી અને સમયસર મળી રહે તેમજ તે માટે તેમણે અલગ-અલગ કચેરીઓનો સંપર્ક ન કરવો પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે તેમજ દરેક વિધાનસભા મત વિસ્તારનાં મુખ્ય મથક ખાતે નોડલ અધિકારીની નિમણૂંક કરી સીંગલ વિન્ડો સીસ્ટમ કાર્યરત કરાશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકે સીંગલ વિન્ડો સીસ્ટમની અમલવારી અર્થે વિધાનસભા વિસ્તાર મુજબ નોડલ ઓફિસરશ્રીની નિમણુંક કરી છે. જે મુજબ જિલ્લા નોડલ અધિકારી તરીકે ડિઝાસ્ટર મામલતદાર એમ.એ.મન્સુરી વલસાડની નિમણૂંક કરવામાં આવી છે જે વલસાડ કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર શાખામાં હાજર રહેશે. જ્યારે ૧૭૮-ધરમપુર માટે ધરમપુર મામલતદાર કે.આર.ચૌધરી, ૧૭૯-વલસાડ માટે વલસાડ(ગ્રામ્ય) મામલતદાર પી.કે.મોહના, ૧૮૦-પારડી માટે પારડી મામલતદાર આર.આર.ચૌધરી, ૧૮૧-કપરાડા માટે કપરાડા મામલતદાર ડી.આર.શાહ, ૧૮૨–ઉમરગામ માટે ઉમરગામ મામલતદાર જેનીશ.વી.પાંડવની નિમણૂંક કરવામાં આવી છે. આ સિંગલ વિન્ડો સિસ્ટમ મામલતદાર કચેરી ધરમપુર, મામલતદાર કચેરી વલસાડ, મામલતદાર કચેરી પારડી, મામલતદાર કચેરી કપરાડા અને મામલતદાર કચેરી ઉંમરગામ ખાતે કાર્યરત કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકે સીંગલ વિન્ડો સીસ્ટમના નોડલ અધિકારીઓને નીચે મુજબની શરતોને આધિન કામગીરી કરવા માટે જણાવાયું છે:
(૧)સિંગલ વિન્ડો સિસ્ટમની રચના ચૂંટણી જાહેર થયા બાદ તરત જ કરવાની રહેશે તેમજ આ વ્યવસ્થાની બહોળી પ્રસિદ્ધિ કરવાની રહેશે.
(૨)આ પ્રકારની સિંગલ વિન્ડો સિસ્ટમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે તેમજ દરેક વિધાનસભા મતવિસ્તારોના મુખ્યમથક ખાતે કાર્યન્વિત કરવાની રહેશે.
(૩)આ સિસ્ટમ માટે માળખાગત સુવિધાઓ જેવી કે ફોટો કોપીયર મશીન, સ્કેનર, કોમ્પ્યુટર, ટેલીફોન વગેરે
કામગીરીના પ્રકાર અને ભારણને ધ્યાનમં રાખી જે તે કચેરીના કર્મચારી ગણનો ઉપયોગ કરવાનો રહેશે.
(૪)પરવાનગી માગતા રાજકીય પક્ષ/ઉમેદવારો પાસેથી કાર્યક્રમના ઓછા માં ઓછા ૪૮ કલાક પહેલા સબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીની નિયત નમુનામાં અરજી મેળવવાની રહેશે.
(૫)એક થી વધુ કાર્યક્રમ (EVENT) માટે અલગ અલગ અરજી મેળવવાની રહેશે.
(૬)કોઇ વિધાનસભા મતવિસ્તારના કાર્યક્રમની મંજુરી માટે એકથી વધુ જિલ્લા/વિધાનસભા મતવિસ્તાર સમાવિષ્ટ થતાં હોય તો તે દરેક જિલ્લા/વિધાનસભા મતવિસ્તાર માટે અલગ અલગ અરજીઓ મેળવવાની રહેશે.
(૭)પ્રાપ્ત થયેલ અરજીઓ પરત્વે દરેક તબક્કે આપવામાં આવેલ આખરી મંજુરી નિર્ણયની તારીખ અને સમય દર્શાવતું રેકર્ડ રાખવા માટે એક અલગ રજીસ્ટર (લોગબુક) જાળવવાનું રહેશે.
(૮)નોડલ અધિકારીએ અરજી મળ્યાના ૩૬ કલાકમાં અગ્નિ શમન, જમીન-માલિક એજન્સીઓમાં અને મ.વિભાગ, પોલીસ વગેરે સબંધિત તમામ વિભાગો પાસેથી, જો કોઇ જરૂરી મંજુરી મેળવવી જરૂરી હોય તો તે મેળવી, રાજકીય પક્ષને પરવાનગી આપશે.
(૯)ઉપરોક્ત પ્રક્રિયા માટે એક સામાન્ય અરજી ફોર્મ તૈયાર કરવાનું રહેશે. જે તમામ સિંગલ વિન્ડો કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે. આ ફોર્મ એવી રીતે તૈયાર કરવાનું રહેશે કે તેમાં તમામ સંબંધિત વિભાગોનો સમાવેશ થાય જેથી અરજદારે એકથી વધુ ફોર્મ ન ભરવા પડે અને સિંગલ ફોર્મની ફોટો કોપી તમામ પરવાનગી આપતી એજન્સીઓને પૂરી પાડી શકાય.
(૧૦)મળેલ અરજીઓ પરત્વે “First come First served” ના આધારે મંજૂરીઓ આપવાની રહેશે.
(૧૧)નોડલ અધિકારીએ સંકલન કરવા અને સમયસર તેમનો પ્રતિભાવ મેળવવા સિંગલ વિન્ડો સિસ્ટમની કચેરી ખાતે અન્ય સંબંધિત વિભાગો/એજાન્સીઓએ નિયુક્ત કરેલા અધિકારી/કર્મચારીને હાજર રાખવાના રહેશે અથવા અન્ય વિભાગ/એજન્સીએ સમયસર પરવાનગીઓ/અભિપ્રાય મળી જાય તે માટે માળખું ગોઠવવાનું રહેશે. નોડલ અધિકારી સમગ્ર પ્રક્રિયાનું નિરિક્ષણ કરશે.
(૧૨)જિલ્લા કક્ષાના નોડલ અધિકારીએ ૩૬ કલાકથી વધુ સમયથી પડતર પરવાનગીઓની વિગતો મેળવીને પત્રક – ૨માં દરરોજ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં મોકલી આપવાની રહેશે.