વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા શિક્ષણાધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક મળી: જિલ્લામાં ધો. ૧૦ના ૩૩૪૭૪, ધો. ૧૨ સા.પ્ર.ના ૧૪૮૧૦ અને ધો. ૧૨ વિ.પ્ર.ના ૭૪૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમ્યાન ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે જિલ્લામાં ધો. ૧૦ નાં ૯૭ બિલ્ડીંગમાં ૩૩૪૭૪ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની ૩૯ બિલ્ડીંગમાં ૧૪૮૧૦ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની ૨૮ બિલ્ડીંગમાં ૭૪૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. બોર્ડની પરીક્ષાનાં સુચારૂ આયોજનનાં ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના અધ્યક્ષસ્થાને બીએપીએસ વલસાડના અબ્રામા, ધારાનગર ખાતે આવેલી સ્વામીનારાયણ હાઈસ્કુલમાં ૧૬૪ સ્થળ સંચાલકો અને ૧૬૪ સરકારી પ્રતિનિધિઓની બેઠક મળી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ ધો. ૧૦ અને ધો. ૧૨ (સા.પ્ર./ વિ.પ્ર)નાં વિદ્યાર્થીઓ માટે તણાવમુકત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિન્હરૂપ બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પાપ્ત કરે “તમે એકલા નથી, અમે સૌ સાથે છીએ’’ તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓનાં માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને JCI વલસાડના સંયુકત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી આત્મવિશ્વાસ હેલ્પલાઈન નં. ૭૪૮૭૦૦૪૪૪૩ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ માધ્યમિક વિભાગ માટે અલગ અલગ વિષયનાં કુલ ૨૪ વિષય નિષ્ણાતો તેમજ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ મળી અલગ અલગ વિષયનાં કુલ ૪૨ વિષય નિષ્ણાતોની મોબાઈલ નંબર સાથે માહિતી આપી હતી.
H.S.C ઝોનલ ડૉ. બિપીનભાઈ પટેલ (સા.પ્ર./ વિ.પ્ર) દ્વારા સ્થળ સંચાલકોને પરીક્ષા દરમ્યાન કરવાની કામગીરી તેમજ સુચારૂ આયોજન અંગે PPT દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. S.S.C ઝોનલ અધિકારી ગુલાબભાઈ લુહાર દ્વારા પરીક્ષા દરમ્યાન CCTV રેકોર્ડીંગ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. S.S.C ઝોનલ અધિકારી સંદીપભાઈ પટેલ દ્વારા સરકારી પ્રતિનિધિઓએ પરીક્ષા દરમ્યાન તેમના દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગે જણાવતા કહ્યું કે, “સરકારી પ્રતિનિધિએ બોર્ડના આંખ અને કાન સમાન છે’’. મીટિંગમાં ઉપસ્થિત બોર્ડ પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે “PATA’’ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે PPT દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે S.S.C ઝોનલ ગુલાબભાઈ લુહાર દ્વારા સ્થળ સંચાલકો, સરકારી પ્રતિનિધિ અને બીએપીએસ સ્વામીનારાયણ હાઈસ્કુલના આચાર્ય મિતલબેન તેમજ અમિતસિંહનો આભાર વ્યક્ત કરી બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થાય એવી સૌને શુભેછાઓ પાઠવી હતી. બેઠકમાં દમણ અને સેલવાસના શિક્ષણાધિકારી, SSC અને HSC ઝોનના ઝોનલ અધિકારી તેમજ સરકારી શાળાના વર્ગ- ૨ નાં આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!