ઉમરસાડી માછીવાડ રોડ પર રૂા.૧૯.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર રેલવે ઓવરબ્રીજ અને રૂા.૧.૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પારડી રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કરતા રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

ગુજરાત એલર્ટ । વલસાડ
રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ રોડ પર રૂા. ૧૯.૫૦ કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ અને રૂા. ૧.૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પારડીના રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ૧૧મી ઈકોનોમીથી પાંચમી ઈકોનોમી બન્યું છે અને આવનારા વર્ષ ૨૦૨૭ સુધીમાં વિશ્વની ૩જી મોટી ઈકોનોમી બનવા જઈ રહ્યું છે. જેનાથી દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થશે અને દરેક ક્ષેત્રે લાભો મળશે. વડાપ્રધાનશ્રીએ કોરોનાથી આખું વિશ્વ ત્રસ્ત હતુ ત્યારે કોરોનાની રસી દેશમાં જ બનાવી પ્રજાજનોને મફતમાં રસી પૂરી પાડી હતી આ ઉપરાંત વિશ્વના ૧૨૦ દેશોમાં કોરોનાની મફત રસી આપી હતી. કોરોનાકાળ દરમિયાન ભૂખમરા સામે લડવા વિનામુલ્યે અનાજ આપવાની શરૂઆત કરી હતી જે હજુ વર્ષ ૨૦૨૯ સુધી વિનામુલ્યે આપવાની જાહેરાત પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ઉમરસાડી ખાતે રૂા. ૨૫ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી જેટીની કામગીરી ચાલુ હતી તે દરમિયાન પથ્થર નીકળતા હવે આ જેટી માટે વધુ રૂા. ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા હાલમાં આવનાર થોડા દિવસોમાં આ જેટીને પૂર્ણ કરવામાં આવશે.

એલ.સી. ફાટક નં. ૯૦ ઉપર રેલવે ઓવરબ્રિજ બનવાથી ઉમરસાડી દેસાઈવાડ, માછીવાડ, કોસ્ટલ હાઈવે તેમજ પૂર્વ અને પશ્ચિમ તરફ આવેલા ગામના લોકોને નોકરી ધંધાર્થે રેલવે સ્ટેશન તથા ને.હા.નં. ૪૮ ઉપર આવવા જવા માટે વાહન વ્યવહારમાં સરળતા રહેશે. ને.હા.નં. ૪૮ થી કોસ્ટલ હાઈવે અને માછીવાડ જેટીનું સીધુ જોડાણ થવાથી લોકોના સમય અને ઈંધણની બચત થશે. પારડીનું નવું રેસ્ટ હાઉસ ગ્રાઉન્ડ + ૧ માળનું છે. ગ્રાઉન્ડ ફલોરમાં એક વીવીઆઈપી સ્યુટ રૂમ, ૩ ડિલક્ષ રૂમ, કિચન એરિયા, ડાઈનીંગ એરિયા અને વેઈટીંગ એરિયાનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ફ્લોર પર મીટિંગ હોલ અને જનરલ ટોઈલેટ બ્લોકનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં વલસાડના સાંસદ ર્ડો. કે. સી. પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. સ્વાગત પ્રવચન માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીનભાઇ પટેલે કર્યુ હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય દિવ્યાબેન પટેલ, ઉમરસાડી ગામના સરપંચ જીતેન્દ્રભાઇ ટંડેલ, જિલ્લા સંગઠન મંત્રી કમલેશભાઇ પટેલ, વાપી નોટીફાઇડ ચેરમેન હેંમતભાઇ પટેલ, વિસ્તરણ અધિકારી વનરાજસિંહ પરમાર અને ઉમરસાડીના ગ્રામજનો હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!