ગુજરાત એલર્ટ । વલસાડ
આજના ડિજિટલ અને સોશિયલ મીડિયાના યુગમાં યુવા પેઢી વાંચનથી વિમુખ થઈ રહી છે, ત્યારે વલસાડ શહેરના હાલર રોડ પર ઈશાન એપાર્ટમેન્ટમાં રહેતા અને દમણની મરવડ હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડો. રિશી સંજીવ દેસાઈએ મોટી દમણ ખાતે નેશનલ હેલ્થ મિશનમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતી પોતાની ધર્મપત્ની ડો. સ્નેહા દેસાઈ વાઢેર સાથે લગ્નની પ્રથમ વર્ષ ગાંઠ નિમિત્તે યુવાધન વાંચન તરફ વળે તે માટે નવી પહેલ કરી છે. આ યુવા દંપતિએ વલસાડ પાલિકા સંચાલિત મહાત્મા ગાંધી લાયબ્રેરીમાં વાંચકો માટે રૂ. ૨૫૦૦૦ ના ૭૦ પુસ્તકો નગરપાલિકાના ચીફ એન્જિનિયર હિતેશભાઈ પટેલને સાદગીપૂર્ણ રીતે ભેટરૂપે અર્પણ કર્યા હતા. આ પુસ્તકોમાં વિશ્વ નેતા મહાત્મા ગાંધીજી અને ટોલ્સટોય સહિતની મહાન વિભૂતિઓના પુસ્તકો, વ્યક્તિત્વ વિકાસ, માનસિક ઘડતર, ઈતિહાસ અને સંસ્કૃતિ, સ્વાસ્થ્યની જાળવણી અને તત્વજ્ઞાન સહિતના વિવિધ પુસ્તકોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ડો.રિશી દેસાઈએ જણાવ્યું કે, પાછલા ઘણા વર્ષોથી મે અને મારી પત્નીએ વર્ષ દરમિયાન કોઈ પણ ભાષાના ૧૦૦ પુસ્તકો ખરીદી વાંચન કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. ગાંધી લાઈબ્રેરીમાં પરીક્ષાર્થીઓ માટે વાંચનની સરસ સુવિધા ઉપલબ્ધ છે. કોઈ પણ પરીક્ષાર્થીઓને મૂંઝવણ હોય તો તેઓનું કાઉન્સેલિંગ વીડિયો દ્વારા કરીશું તેમજ સેમિનારનું આયોજન કરી રૂબરૂ માર્ગદર્શન પણ આપીશું. અત્યાર સુધીમાં મેડિકલ અને પેરા મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ સરકારી ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને માનસિક તણાવ કેવી રીતે દૂર કરવુ તેનું માર્ગદર્શન આપી રહ્યા છે. જેથી વલસાડ ગાંધી લાયબ્રેરીના વાંચકો માટે પણ સેમિનાર કરવાની ખાતરી આપીએ છે. જે બદલ ચીફ એન્જિનિયર હિતેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડો.રિશી દેસાઈ દક્ષિણ ગુજરાતમાં ઘણા વર્ષો સુધી સક્રિય મીડિયા હાઉસમાં પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત રહેલા અને સામાજિક કાર્યકર સંજીવભાઈ દેસાઈ અને ઈનરવ્હીલના ગુજરાત અને માજી મહારાષ્ટ્રના માજી ડિસ્ટ્રીક્ટ ચેરમેન મમતાબેન દેસાઈનો સુપુત્ર છે.