ગુજરાત એલર્ટ । વલસાડ
નવસારી કૃષિ યુનીવર્સીટી હેઠળ કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરિયા ખાતેનાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સર્વે મુજબ આ વર્ષે આંબાવાડીઓમાં ક્યાંક ૮૦ થી ૯૦ ટકા તો ક્યાંક ૫૦ થી ૬૦ ટકા મોર ફૂટી નીકળ્યા છે તો કઇક જગ્યાએ હજી મોર નીકળવાની શરૂઆત છે. આ સિઝનમાં સપ્ટેમ્બર મહિનામાં અચાનક ગરમી શરૂ થઈ હોવાથી નવી પીલવણી ઝડપથી નીકળી હતી અને તેમાં મધીયા (ડેઘા) નો ઉપદ્રવ પણ વધારે પ્રમાણમાં જોવા મળ્યો છે. હાલમાં વાતાવરણ મધિયા જીવાતને અનુકૂળ આવી રહ્યું હોવાથી ઉપદ્રવ વધી રહ્યો છે. સાથે સાથે થ્રીપ્સ તેમજ એંથ્રેક્નોઝ રોગનું ઉપદ્રવ પણ જોવા મળે છે. તેથી જંતુનાશકોનું છંટકાવ કર્યા પછી પણ ઉપદ્રવ કાબુમાં આવતો નથી. તેથી હાલની પરીસ્થિતીને ધ્યાનમાં લેતા કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, પરિયા ખાતે કાર્યરત અખિલ ભારતીય સંકલિત ફળ સંશોધન યોજના દ્વારા જિલ્લાના આંબાના ખેડૂતોને નીચે જણાવ્યા મુજબના સાવચેતીના પગલા લેવાની ભલામણ કરવામાં આવે છે.
મધિયા અને થ્રીપ્સના નિયંત્રણ માટે બુફ્રોફેઝીન ૨૫ ટકા એસ.સી. ૨ લી. અથવા થાયોમેથોક્ઝામ ૨૫ ડબ્લ્યુ. જી. ૩૪૦ ગ્રામ અથવા લેમ્બડા સાયહેલોથ્રીન ૫ ઈ.સી., ૧ લીટર જંતુનાશક પ્રતિ ૧૦૦૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવું. સાથે એંથ્રેક્નોઝ રોગના વ્યવસ્થાપન માટે હેક્ઝાકોનાઝોલ ૫ ઈ.સી., ૧ લી. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ ટકા ડબ્લ્યુ. પી. ૧ કિલો અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૨% ડબ્લ્યુ.પી. ૨ કિલો પ્રતિ ૧૦૦૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવું. છંટકાવ કરતી વખતી જંતુનાશકોનો વારાફરતી ઉપયોગ કરવો.
હાલમાં આંબામાં અંતઃસ્ત્રાવની ઉણપના કારણે આંબા પરની નાની કેરી ખરી પડવાની શક્યતાઓ છે. આ સંજોગોમાં ૧૦૦૦ લીટર પાણીમાં પ્લાનોફીકસ ૪૫૦ મિલી અને ૨૦ કિલોગ્રામ યુરીયા મિશ્ર કરી છંટકાવ કરવો. પ્લાનોફીકસ છંટકાવ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું કે પાણીમાં પ્લાનોફીકસ સિવાય બીજા કોઈ પણ જંતુનાશકો મિશ્ર કરવા નહિ. જે આંબાવાડીઓમાં કણી બેસવાની શરૂઆત થઇ હોય ત્યાં ખેડૂતોએ નવસારી કૃષિ યુનીવર્સીટી દ્વારા વિકસાવેલ નોવેલ સેન્દ્રીય પ્રવાહી ૨ ટકા (૨૦ લીટર/ ૧૦૦૦ લી) અને કેલ્શીયમ નાઈટ્રેટ ૧ ટકા (૧૦ કિલો/ ૧૦૦૦ લી) નું છંટકાવ કરી શકાય છે.