ગુજરાત એલર્ટ । વલસાડ
ધરમપુરના ઓઝરપાડાના અંબામાતા મંદિરના પટાંગણમાં આત્મા પ્રોજેક્ટ પ્રેરિત અને દીપજ્યોતિ સેવા મંડલ ઓઝરપાડા દ્વારા આયોજિત નિવૃત પ્રધ્યાપક વજીરભાઈ ડી. હરકણિયાના અધ્યક્ષસ્થાને એક દિવસીય દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિષયક સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ અને આત્મા પ્રોજેક્ટના વિશેષ પ્રોજ્ક્ટ ડાયરેક્ટર ધીરેનભાઈ પટેલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિસઃઅયક વિશદ્દ ચર્ચા કરી હતી. દેશી ગાયના છાણ – મૂત્ર આધારિત ખાતર બનાવટ અને તેના ફાયદાઓ વણવ્યા હતા. પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ હસમુખભાઈ સી. પટેલે દેશીગાયના મળ-મૂત્રમાંથી બનતા ખાતરની પ્રાયોગિકિ રીત બતાવી હતી. બીજામૃત, જીવામૃત, ધનજીવામૃત વગેરેના વિવિધ લાભો વર્ણવ્યા હતા. તેમણે સફળ રીતે કરેલી પ્રાકૃતિક ખેતીના પાકોનું નિદર્શન પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોમાં ડો. મહાવીર્સિંહ રાવલ, રમેશભાઈ પટેલ, પરેશભાઈ લાડ તથા ખંડુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના સ્વાનુભાવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ટી.ડી.ઓ. વિમલકુમાર એચ. પટેલ, એડવોકેટ વિનોદભાઈ આર. પટેલ, બેંક ઓફ બરોડાના નિવૃત ચીફ ઓફિસર ભુપેન્દ્રભાઈ પટેલ, જગુભાઈ બી. પટેલ, મહેશભાઈ બી. પટેલ ઉપરાંત ગામના તથા અન્ય ગામોના આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ દરેક ખેડૂતે ઘરે ઘરે દેશી ગાય રાખવાનો સંકલ્પ કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સી.આર.સી. કક્ષાના શ્રેષ્ઠ શિક્ષિકા ફાલ્ગુનીબેન એસ. પટેલે કર્યું હતું.