ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા વારલી ચિત્રકળાના વર્કશોપનુ આયોજન કરાયું

ગુજરાત એલર્ટ | આહવા
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ભારતીય ભાષાઓ, કલાઓ અને સંસ્કૃતિના સંવર્ધન હેતુ વિદ્યાર્થીઓ સ્થાનિક કલા તજજ્ઞો મારફત વ્યવસાયિક શિક્ષણ મેળવે તે હેતુથી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- વઘઈના પ્રાચાર્યશ્રી ડૉ.બી.એમ.રાઉતના માર્ગદર્શન હેઠળ, કલાના અધ્યાપક શ્રી યોગેશ ચૌધરી દ્વારા D.EL.ED. પ્રથમ અને બીજા વર્ષના કુલ ૭૩ જેટલા તાલીમાર્થીઓ માટે વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ-વ્યારાના સહયોગથી તા.૧૨ અને ૧૩ ફેબ્રુઆરી ના રોજ વારલી ચિત્રકળાનાં વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ વર્કશોપનો મુખ્ય હેતુ વારલી ચિત્રકળાના વિચાર વિસ્તાર, તથા યુવાઓમાં રહેલી કલા શક્તિની ખીલવણી કરી તેને પ્રોત્સાહન પુરુ પાડવુ, તથા ભવિષ્યમાં તેઓ વારલી ચિત્રકળા ક્ષેત્રે વ્યવસાયિક સજ્જતા કેળવી આર્થિક રીતે પગભેર થાય, સાથે જ ભવિષ્યમાં તેઓ એક કલાકાર તરીકેની નામના મેળવે તેવા ઉમદા હેતુથી વર્કશોપનું આયોજન કરવામા આવ્યુ હતુ.

આ વર્કશોપમાં કલા વિષયનાં અધ્યાપક યોગેશભાઈ ચૌધરીએ વારલી ચિત્રકળાનો ઉદભવ, તેની લાક્ષણિકતા અને તેના મહત્વ વિશેની સમજણ આપી હતી. વારલી ચિત્રકળાના તજજ્ઞો તરીકે કિશનભાઈ વાડુ, નિકુંજભાઈ ચૌધરી, અનિલભાઈ ચૌધરી, મહેશભાઈ ચૌધરી, હસમુખભાઈ ચૌધરી દ્વારા, વારલી ચિત્રકળા દ્વારા આદિવાસી જીવનશૈલી, પ્રસંગો વગેરેનાં વારલી ચિત્રો તૈયાર કરાયા હતા. તેમજ માનવપાત્રો, પશુ, પક્ષી, ઘર અને વૃક્ષનાં આકારોનું રેખાંકન, ગ્રામ્ય જનજીવનનાં પ્રસંગો, ક્રિયાઓ, ઉત્સવ, વારતહેવાર, રીતરિવાજ, પરંપરા, દેવપૂજા, ખેતીકામ વગેરે દ્રશ્યોને આવરી લેતાં ચિત્રોનું સર્જન કરાવી અને તેમાં આકર્ષક રંગો દ્વારા વારલી ચિત્ર બનાવવાનું શીખવવામાં આવ્યુ હતું.

કાર્યક્રમનાં અંતમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ વારલી પેઈન્ટીગનું પ્રદર્શન તેમજ ગૃપ ફોટો શેષન પણ યોજવામાં આવ્યુ હતુ.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!