ગુજરાત એલર્ટ । વલસાડ
રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તેમજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી તા.૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), ડો. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોના અંદાજિત રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પાંચેય વિધાનસભા મત વિસ્તારોના કુલ ૩૨૭ ગામોમાં ૪૯૩૨ જેટલા આવાસોનું પણ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીએ વાપી તાલુકાના ડુંગરા ડુંગરી ફળિયાના આવાસ યોજનાના લાભાર્થી હેમાબેન જગદીશભાઈ પટેલ સાથે વન ટુ વન સંવાદ પણ કર્યો હતો. તેમજ વિશાળ જનસંખ્યાને વર્ચ્યુઅલી સંબોધન કરી નવા આવાસ માટે અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ૧૮૦ પારડી વિધાનસભા મતવિસ્તારમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પારડી તાલુકાની કુમાર પ્રાથમિક શાળા ખાતે આ વિસ્તારના ૨૯ ગામોના ૩૩૬ આવાસોનું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવનિયુક્ત કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા સુરતમાં કરાયેલી કામગીરીને બિરદાવી ને તેમને આવકાર આપ્યો હતો તેમજ કાર્યક્રમના સફળ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશના વિકાસમાં કરાયેલી ઉત્કૃષ્ટ કામગીરીને વખાણતા જણાવ્યું હતું કે, ૨૦૦૧ના કચ્છના વિનાશક ભુકંપ બાદ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધૂરા સંભાળી છે ત્યારથી આજ સુધી ગુજરાતનો અવિરત વિકાસ થયો છે. ગુજરાતમાં ૬ લાખ આવાસોનું ટાર્ગેટ હતું જેમાંથી ૫.૫ લાખ આવસો તૈયાર છે અને ૫૦ હજાર નિર્માણાધિન છે. જનધન યોજના હેઠળ ૫૨ કરોડથી વધુ ખાતેદારોને DBTના માધ્યમથી વિવિધ યોજનાની સહાય હવે સીધી બેન્ક ખાતાઓમાં જમા થાય છે. શરૂઆતમાં વીજળીની મુશ્કેલીઓ હતી તેનું નિવારણ લાવી સમગ્ર ગુજરાતના ગામોમાં ૨૪ કલાક વીજળી મળી રહી છે. આદિવાસીઓના વિકાસ માટે વિવિધ આદિજાતિ યોજનાઓ અમલમાં મુકી છે. વિકાસ માટે રોજગારી વધારવી જરૂરી છે અને ઉદ્યોગોનો વિકાસ રોજગારીની તકો પૂરી પાડે છે. તેથી જ સેમી કંડક્ટરની સમગ્ર દુનિયાને જરૂરિયાત છે તેના પ્રોડક્શનની સૌપ્રથમ ફેક્ટરી ગુજરાતમાં નિર્માણ પામશે.
મંત્રીશ્રીએ બીજી લાભદાયી યોજનાઓ વિશે મહિતી આપતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૦ કરોડ લોકોએ લાભ મેળવ્યો છે. ભૂગર્ભ જળને સુરક્ષિત રાખવા નલ સે જલ જેવી યોજનાઓથી ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. જે સ્થળોએ હજી સમસ્યાઓ રહેવા પામી છે તેનો ઉકેલ લાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે. આયુષ્યમાન કાર્ડ દ્વારા ગરીબોને ગુજરાતમાં રૂ.૧૦ લાખ સુધીની વિનામુલ્યે સારવાર મળી રહી છે. ૧૬૦૦ કીમી લાંબા દરિયા કિનારાના સાગરખેડૂઓ માટે સાગરખેડૂ યોજના અને બીજી અનેકવિધ યોજના બનાવી છે. મહિલાઓના વિકાસમાં અગ્રેસર ગુજરાત જ પહેલું એવું રાજ્ય છે કે જ્યાં મહિલા કલ્યાણ અને બાળ વિકાસ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મોદીજીની અધ્યક્ષતામાં જી-20નું અધ્યક્ષપદ પણ ભારતે મેળવ્યું અને સફળ આયોજન કર્યું હતું. જેમાં દુનિયાભરના રાષ્ટ્રપ્રમુખ – પ્રધાનમંત્રીઓએ ગાંધીજીને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. રશિયા – યુક્રેન યુદ્ધ સમયે માત્ર ભારતનો ધ્વજ લઈ સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત ફર્યા હતા. આયોધ્યામાં રામ મંદિરની પુન:સ્થાપનાને સમગ્ર દેશે જ નહિ પરંતુ સમગ્ર વિશ્વએ ‘જય શ્રી રામ’ના નારા સાથે વધાવ્યું છે. અમૃતકાળ બાદ ૨૦૨૭માં ભારત વિકસિત દેશ હશે અને સૌથી મોટું અર્થતંત્ર બનીને ઉભરશે એવી મોદીજીએ ગેરેંટી આપી છે. દુનિયામાં યુદ્ધ, લડાઇ અને અનેક તોફાનોની સ્થિતિમાં પણ ભારતે પોતાના અવિરત વિકાસ સાથે બ્રિટનને પાછળ છોડી વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમી બનીને બતાવ્યું છે. જે હવે ટૂંક જ સમયમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. મોદીજીના માર્ગદર્શન હેઠળ ઈસરોએ ચંદ્રયાન-૩ નું સફળ લેન્ડિંગ કર્યું હતું. કોરોના કાળ દરમિયાન ૬૦ કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના દ્વારા ભૂખમરાથી કોઈ મૃત્યું ન થાય તેની કાળજી લીધી હતી. પ્રધાનમંત્રીશ્રી પોતાને ચાર જાતિના ગણાવે છે. જે છે, ગરીબ, યુવા, અન્નદાતા-ખેડૂત અને નારીશક્તિ-મહિલા. તેઓ આ ચારેયના વિકાસ માટે અવિરત કાર્ય કરી રહ્યા છે. તેમજ કાશ્મીર ભારતથી અલગ ભાગ હતો પરંતુ મોદીજીના નેતૃત્વમાં ગૃહમંત્રીશ્રી અમિત શાહે કાશ્મીરને ભારત સાથે એક કર્યું છે. જેના માટે અનેક અભિનંદનો ઓછા છે.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથાઓ અને પ્રતિભાવો રજૂ કરી પ્રધાનમંત્રીશ્રી અને સરકારનો આભાર માન્યો હતો. મંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અને હળપતિ આવાસ યોજનાના પાંચ લાભાર્થીઓને આવાસની ચાવીનું વિતરણ કરવામાં આવ્યું હતું. પશુપાલન વિભાગની મોબાઈલ વેટરનિટી વાનને ફ્લેગઓફ કરી પ્રસ્થાન કરાવાયું હતું. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓ અંગેની ક્વીઝમાં ભાગ લીધો હતો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમની સાથે સાથે ૧૭૮ ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૯૯ ગામોના ૨૦૩૮, ૧૭૯ વલસાડ વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૪૦ ગામોના ૩૦૯, ૧૮૧ કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ૧૧૫ ગામોના ૧૬૩૪ તેમજ ૧૮૨ ઉમરગામ વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ૪૪ ગામોના ૬૧૫ વિવિધ આવાસ યોજનાના આવાસોનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇ-લોકાર્પણ કર્યું હતું.
કાર્યક્રમમાં કલેક્ટરશ્રી આયુષ ઓક, નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી અનસુયા ઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એ.કે. કલસરીયા, નાયબ કલેક્ટરશ્રી (સ્ટેમ્પ ડ્યૂટી) શ્વેતા પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, પ્રદેશ સંગઠન ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ મહેશ દેસાઈ, આવાસ યોજનાના લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો.
વિધાર્થીઓ માટે અને મહિલાઓ માટે લાભદાયક યોજનાઓ
૧.નમો સરસ્વતી યોજના– વિજ્ઞાનનાં ક્ષેત્રમાં આગળ વધે તે માટે ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ યોજના હેઠળ સહાય મળશે.
૨.નમો લક્ષ્મી યોજના– ગુજરાતની ધો ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ૧૦૦૦૦/- અને ધો ૧૧-૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ૧૫૦૦૦/- મળી કુલ ૨૫૦૦૦/- ની શિષ્યવૃત્તિ મળશે.
૩.નમો શ્રી યોજના– સગર્ભા મહિલાઓને રૂ.૧૨૦૦૦/- ની સહાય મળશે.
•પીએમ આવાસ યોજના મારા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે:PMAY(ગ્રા) લાભાર્થી રાજેશભાઈ પટેલ
•હવે હું અને મારો પરિવાર ખુશખુશાલ છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મારૂ ઘરનું સ્વપ્ન સાચું બન્યું:PMAY(શહેરી) લાભાર્થી મયુરીબેન પટેલ
•કાચા મકાનમાંથી હવે પોતાના પાકા મકાનમાં સુખ શાંતિપૂર્વક રહીએ છીએ:PMAY(ગ્રા) લાભાર્થી શાંતિબેન નાયક