ડાંગ જિલ્લામાં તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન હાથિપગાને દેશવટો આપવા ‘સામુહિક દવા વિતરણ કાર્યક્રમ’ યોજાશે:પ્રજાજનોને સહકાર આપવા કરાયો અનુરોધ

ગુજરાત એલર્ટ | આહવા
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઈલેરિયા(હાથિપગા) રોગના નિર્મુલન માટે લક્ષ નિર્ધાર કરાયો છે.
એક રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૭ જિલ્લાઓ હાથિપગા માટે સંવેદનશીલ ગણાય છે. આ અભિયાન અંતર્ગત ફાઈલેરિયા (હાથિપગા) રોગ માટે સંવેદનશીલ નથી તેવા જિલ્લાઓ, અને રાજ્યની મહાનગરપાલિકાઓમાં નાઈટ (રાત્રી) બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લોહીના નમુનાઓ લેવાયા હતા. જેના પરીક્ષણ બાદ ભરૂચ (નેત્રગ તાલુકો), નર્મદા (નાંદોદ અને ડેડીયાપાડા તાલુકા) અને ડાંગ (વઘઇ તાલુકો) આમ, દક્ષિણ ગુજરાતના ૩ જિલ્લાના કુલ ૪ તાલુકાઓના વિસ્તારોના લોહીના નમુનામાં, ફાઈલેરિયા(હાથિપગા) રોગના જંતુ જોવા મળ્યા હતા. જેથી આ ચાર તાલુકાઓમાં ભારત સરકારની સુચના અનુસાર, તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમ્યાન, માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન(સામુહિક દવા વિતરણ કાર્યક્રમ) હાથ ધરવામાં આવી રહ્યો છે.
આ અભિયાન અંતર્ગત ઉપરોક્ત ચાર તાલુકાની કુલ ૫,૫૨,૭૯૫ વસ્તીને આવરી લઇને, ફાઈલેરિયા(હાથિપગા) રોગના જંતુઓ વ્યક્તિના શરીરમાંથી નાશ થાય તે માટેની દવા, રૂબરૂમાં ગળાવવા આવનાર છે. જેમાં બે વર્ષથી નાના બાળકો અને સગર્ભા બહેનો સિવાયની તમામ વસ્તીને આવરી લેવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત ૧૦ ફેબ્રુઆરીના રોજ આ વિસ્તારોની તમામ ૭૯૫ આંગણવાડીઓ, ૭૩૦ શાળાઓ, અને ૧૧ કોલેજોમાં આરોગ્ય કાર્યકરોની ૫૪૧ ટીમો દ્વારા, તમામ બાળકોને આ દવા રૂબરૂમાં ગળાવવા આવશે. ત્યાર બાદ આરોગ્ય કાર્યકરો દ્વારા તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન તમામ ઘરોની મુલાકાત કરી, ઘરના દવા ગળવા લાયક તમામ સભ્યોને આ દવા રૂબરૂમાં ગળાવાશે. આ દરમ્યાન જે સભ્યો ઘરે ના હોય, અને દવા ગળાવવામાં રહી ગયેલા હોય તેવા લોકોને, આરોગ્ય કાર્યકર દ્વારા તા.૧૩ અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ફરીથી આવા ઘરોની રૂબરૂમાં મુલાકાત લઈ, આ દવા ગળાવવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્યની તમામ ટીમો, આશા, આંગણવાડી વર્કર તથા શાળાના શિક્ષકોને જરૂરી તાલીમ આપી સુસજ્જ કરવામાં આવ્યા છે.
ત્યારે આ વિસ્તારની જાહેર જનતાને આ અભિયાનમાં જોડાઇ, હાથિપગાને દેશવટો આપવાના આ કાર્યમાં સહકાર આપવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે આહવાન કર્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!