ગુજરાત એલર્ટ । વલસાડ
સમાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્યશ્રી ભરતભાઈ પટણીના અધ્યક્ષપદે કલેકટર કચેરી વલસાડના સભાખંડ ખાતે સ્થાયી વિચરતી અને વિમુક્ત સમુદાયો લોકોના વિકાસ સંદર્ભે સ્થાનિક આગેવાનો સાથે NTDNT (Nomadic Tribes and Denotified Tribes) વર્કશોપની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વિચરતી અને વિમુક્ત સમુદાયો લોકોની રજુઆત તથા પ્રશ્નો સાંભળી સંબધિત અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. શ્રી પટણીએ દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી દેશની વિચરતી અને વિમુકત જાતિઓના કલ્યાણ માટે વર્ષ ૨૦૧૫માં ઇદાતે કમિશનની રચના કરી અને આ કમિશનનો ૨૦૧૮માં રિપોર્ટ આવ્યા બાદ દેશની ૧૩૬૨ વિચરતી અને વિમુકત જાતિઓના અંદાજીત ૨૫ કરોડ લોકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર ખુબ જ સંવેદનશીલ તથા કટિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.
આ સમુદાયની મહિલાઓને ગૃહ ઉધોગ થકી આત્મનિર્ભર બનવા તથા પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિચરતી અને વિમુક્ત સમુદાયોના લોકોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે NT-DNT વર્કશોપની બેઠકમાં વિકસિત જાતિના સમાજ કલ્યાણ અધિકારીશ્રી તથા વલસાડ જિલ્લાના વિચરતી અને વિમુક્ત સમુદાયોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.