ગુજરાત એલર્ટ । વલસાડ
ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૨૯ જાન્યુઆરી થી વલસાડ જિલ્લાની ૨૮૨ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૯૫૪ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’’ની ઉજવણીનો શુભારંભ થયો હતો.
પ્રથમ દિવસે સ્કૂલ સેફટીની મેગા ઈવેન્ટ સવારે ૧૦-૩૦ થી સાંજે ૫-૧૦ સુધી વલસાડ તાલુકામાં તિથલ રોડ પર કલેકટર બંગલાની સામે બીઆરસી ભવન પાસે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. જેના શુભારંભ પ્રસંગે ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદાર અશફાક સંઘરિયાતે શાળા સલામતી કાર્યક્રમ કેમ અમલમાં મુકાયો, તેની અગત્યતા શું છે?, ઈમરજન્સી સમયે કોના કોના ફોન નંબર પાસે હોવા જોઈએ? અને સર્વ શિક્ષા અભિયાનમાં શુ કામગીરી હોય તે અંગે વિસ્તૃત સમજ આપી હતી. વલસાડ પાલિકાના ફાયર ઓફિસર યતિન પટેલે આગ લાગે ત્યારે આગના એ, બી અને સી પ્રકાર જાણી તે સમયે ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપી હતી. ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર જયવીરસિંહ રાઓલે શાળા સલામતી પ્લાન કેવી રીતે બનાવવો અને તેની ઉપયોગિતા શું છે તેનું મહત્વ સમજાવી તમામ શાળાઓ પ્લાન બનાવે તે અંગે અપીલ કરી હતી. આ પ્રસંગે ડિઝાસ્ટર મામલતદાર એમ.એ.મન્સુરી અને આચાર્ય હરીશભાઈ પટેલ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સિવાય પારડી તાલુકામાં પારડી કુમારશાળા નંબર ૧માં, વાપી તાલુકામાં રામલીલા મેદાનની બાજુમાં ઔદ્યોગિક વસાહત પ્રાથમિક શાળા અને અજીતનગર પ્રાથમિક શાળામાં, ઉમરગામ તાલુકામાં ઉમરગામ ટાઉનની કુમારશાળામાં, ધરમપુર તાલુકામાં ખારવેલ પ્રાથમિક શાળામાં અને કપરાડા તાલુકામાં સ્ટેટ બેંકની બાજુમાં આવેલી કપરાડા પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. જેમાં આપત્તિ, જોખમ, અસુરક્ષિતતા અને ક્ષમતાની સમજ અને શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાની સમજ આપવામાં આવી હતી.