ઓસ્ટ્રેલિયાને બબ્બે ક્રિકેટ વર્લ્ડકપની ભેટ અપાવનાર કોચ જૉન બકનને વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટીપ્સ આપી

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા સ્પોર્ટ્સ ડે માં ઓસ્ટ્રેલિયાને બબ્બે ક્રિકેટ વર્લ્ડકપની ભેટ અપાવનાર સફળ કોચ જૉન બકનન મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે ક્રિકેટમાં કેવી રીતે આગળ વધવું તે માટે વિદ્યાર્થીઓને ટીપ્સ આપી હતી.
વલસાડનાં અબ્રામા સ્થિત સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તા.25 અને 26 ના રોજ સ્પોર્ટ્સ ડે યોજાયો હતો. જેમાં લાંબી દોડ, લાંબી કુદ, રિલે દોડ, રિંગ દોડ, સ્લો સાયકલ સહિતની જુદી જુદી રમતોમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ડે માં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહેમાનોનાં હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1999 થી 2007 સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે અવિરત સફળતાના યુગને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર જ્હોન બકનન આ સ્પોર્ટ્સ ડે ના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે 2003 અને 2007 માં વર્લ્ડ કપ હાંસલ કર્યો હતો. આઇપીએલની બીજી સિઝનમાં તેઓ કોલકત્તા નાઈટ રાઈડર્સના કોચ પણ રહ્યા હતા.

આ પ્રસંગે આપેલા વક્તવ્યમાં ખેલાડીઓની ઉત્કૃષ્ટ રમતની પ્રશંસા કરી હતી સાથે જ ક્રિકેટમાં આગળ વધવા માટે ચાર આધારસ્થંભોનું ધ્યાન રાખવા સલાહ આપી હતી. તેમણે સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનું વિશાળ કેમ્પસ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ “સ્પોર્ટ્સ ડે” ના માઇક્રો મેનેજમેન્ટની ખૂબ પ્રશંસા કરી હતી.

અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માજી સૈનિક દેબાશીસ ગાંગુલીએ સ્પોર્ટ્સ ડે માં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓના વખાણ કર્યા હતા. તમામ વિદ્યાર્થીઓ એકથી એક ચઢિયાતા હોવાનું જણાવી સૌ એ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હોવાનું કહ્યું હતું. તેમણે અદભુત આયોજન કરવા બદલ સ્પોર્ટસ ટીચરોને ખૂબ અભિનંદન આપ્યા હતા.

પત્રકાર હર્ષદ આહિરે પોતાના વક્તવ્યમાં નેશનલ સ્પોર્ટ્સ ડે હોકી પ્લેયર મેજર ધ્યાનચંદના જન્મદિવસની યાદમાં ઉજવાતો હોવાનું જણાવ્યું હતું. તેમણે તમામ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ચરક ગ્રુપને મેજીક ગ્રુપ ગણાવતા જ ચરક ગ્રુપના ગ્રીન ટીશર્ટ ધારી વિદ્યાર્થીઓ જુસ્સાથી સમગ્ર કેમ્પસમાં ચિચિયારી પાડી ઉઠ્યા હતા.

આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ તબલાં, ડ્રમ, ઓર્ગન સહિતનાં વાંજિત્રો પર અદભૂત દેશભક્તિ ગીત રજૂ કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા રજૂ થયેલા દેશભક્તિ ડાન્સે ઉપસ્થિતોને થાળીઓના ગડગડાટ કરવા મજબૂર કરી દીધા હતા. સ્પોર્ટ્સ ડે માં સ્કૂલના ચેરમેન ગિરીશભાઈ પંડ્યા, તેમના પુત્રી તેજલબેન, અગ્રણી ગિરીશભાઈ સોલંકી, શાલીનીબેન સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ, શૈક્ષણિક અને વહીવટી સ્ટાફે ખૂબ મહેનત કરી હતી.

કારગીલવોરનો હિસ્સો બનેલા એરફોર્સના માજી સૈનિકનાં હસ્તે ધ્વજવંદન કરાયું

સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભારત પાકિસ્તાન વચ્ચેની કારગીલ વોરનો હિસ્સો બનનારા એરફોર્સના માજી સૈનિક દેબાશીસ ગાંગુલીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. શાળા દ્વારા દેશનાં માજી સૈનિકને અદભુત આવકાર અપાયો હતો. શાળાએ માજી સૈનિક દ્વારા ધ્વજવંદન થવું શાળા માટે ગૌરવની ક્ષણ હોવાનું ગણાવ્યું હતું. જ્યારે પ્રસંગોચિત વક્તવ્ય આપી દેબાશીસ ગાંગુલીએ શાળા દ્વારા અપાયેલા માનને તેઓ હંમેશા યાદ રાખશે એમ કહ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!