ગુજરાત એલર્ટ । વલસાડ
‘‘આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનૂભવી રહ્યા છે. સદીઓની આપણી તપસ્યા હવે ફળી છે. આજે સદીઓ બાદ ભારતમાં નવ ચેતના જાગી છે. જેના પરિણામરૂપ અયોધ્યામાં રામ લલ્લા બિરાજમાન થયા છે. કાશ્મીરમાં પણ આજે કલમ ૩૭૦ની નાબૂદી બાદ સાચા અર્થમાં આઝાદીનો અને પ્રજાસત્તાક પર્વનો ઉલ્લસ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનાં એક સંકલ્પ સાથે ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે.’’ એવુ ૭૫માં પ્રજાસત્તાક દિનની વલસાડ જિલ્લામાં વાપીના બલીઠા ખાતે શ્રી કે.એચ.દેસાઈ, પુરૂષ અધ્યાપન મંદિર કોલેજના પટાંગણમાં જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ધ્વજવંદન કરી જણાવ્યું હતું.
દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળ “ટીમ ગુજરાતે” આજે ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ કરીને ઊંચાઈના શિખરો સર કર્યા છે. ગુજરાતે વિકસિત ભારત @ ૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મીટ્ટી, મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત – ૨૦૨૪નાં સફળ આયોજન દ્વારા ગુજરાતનાં ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીનું શાનદાર આયોજન થતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટ તથા દેશના સૌથી મોટા ટ્રેડ શૉનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ સમિટ સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ને સાકાર કરશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં દ્રષ્ટિવંત નેતૃત્વ અને પરિણામલક્ષી આયોજનના કારણે ગુજરાત રોકાણકારોનું માનીતું સ્થળ બન્યું છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણનો એક અજબનો વિશ્વાસ પેદા થયો છે. પ્રધાનમંત્રીશ્રીએ જ્ઞાતિવાદને નાબુદ કરીને માત્ર ચાર જ્ઞાતિઓ ખેડૂત, ગરીબ, નારી શક્તિ અને યુવા શક્તિ આ ચારેયનું સશક્તિકરણ કરવાથી દેશ અને રાજ્યનું સશક્તિકરણ થશે એવો વિશ્વાસ આપ્યો છે.
ગુજરાતનો ખેડૂત આધુનિક તકનીક અપનાવતો થયો છે અને ટેકનોલોજીની મદદથી, કૃષિ વિષયક સૂજબૂજથી કૃષિ ક્ષેત્રે અદ્વિતીય સફળતા હાંસલ કરી રહ્યો હોવાનું મંત્રીશ્રીએ જણાવી વધુમાં કહ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી પ્રતિ વર્ષ રૂ.૬ હજારની DBT દ્વારા સહાયતા કરી ખેડૂતોને આર્થિક રીતે મજબુત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ૬૩ લાખ થી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. વધુમાં તેમણે કૃષિ મહોત્સવનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, રાજય સરકારના આયોજનબદ્ધ પગલાંને કારણે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત વધ્યો છે. રાજયમાં નારિયેળના વાવેતરને વધારવા અને તેને સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ કરવા માટે ગુજરાત નાળીયેરી વિકાસ મિશનની સ્થાપના કરવામાં આવી છે.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને ગુજરાતે વિશેષ પ્રાધાન્ય આપી ખેડૂતોને વધુ ઝડપથી સમૃદ્ધ કરવાની દિશામાં મક્કમ પગલાં લીધાં છે.
આદિવાસી બાંધવો માટે શરૂ કરાયેલા PM જનમન અભિયાન વિશે મંત્રીશ્રીએ કહ્યું કે, આદિમજૂથ માટે રૂ.૨૪,૦૦૦ કરોડનું બજેટ મંજૂર કરાયું છે. વિશ્વની સૌથી મોટી વિમા યોજના તરીકે આયુષ્માન ભારત કાર્ડનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, અત્યાર સુધી ગુજરાતમાં ૧.૯૫ કરોડથી વધુ લાભાર્થીને વ્યક્તિગત ૧૦ લાખની સહાય આપતા આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં વલસાડ જિલ્લામાં ૭,૧૮,૮૫૬ PMJAY કાર્ડ બનાવી આપવામાં આવતા વલસાડ રાજયમાં અગ્રેસર છે. લોકોને આરોગ્યની શ્રેષ્ઠત્તમ સેવાઓ મળી રહે તે માટે વલસાડ જિલ્લા આરોગ્ય તંત્ર કટિબધ્ધ છે.
મંત્રીશ્રીએ આ પ્રસંગે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉલ્લેખ કરી કહ્યું કે, કોઇ નાગરિક ભુખ્યો ના સુવે તે માટે આ યોજના હેઠળ ૮૦ કરોડ ભારતીયોને ૧૪૨૪ લાખ મેટ્રિક ટન અનાજ વિનામુલ્યે વિતરણ કરાઈ રહ્યું છે અને આગામી ૨૦૨૮ સુધી કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને હોવાનું જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૩,૧૬,૦૦૦ આવાસ પૂર્ણ થયા છે.
વધુમા મંત્રીશ્રીએ નારી ગૌરવ નીતિ, યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિકતા, ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’, યાત્રાધામોનો વિકાસ અને ભવ્ય સાંસ્કૃતિક પરંપરાની જાળવણી માટે સરકાર દ્વારા લેવાય રહેલા સઘન પગલાં અંગે જણાવ્યું હતું.
ગુજરાતને હરીયાળુ બનાવવા માટે ચાલુ વર્ષે ૧૦૦૦ હેક્ટર વિસ્તારમાં ડ્રોનથી વાવેતર કરાયું હોવાનું જણાવ્યું હતું. આઝાદીના ૭૫ વર્ષ બાદ આર્થિક, રાજકીય, સામાજિક અને ટેકનોલોજીની વ્યવસ્થાઓમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જુના કાયદાઓના સર્વગ્રાહી મૂલ્યાંકન બાદ આઈપીસી, સીઆરપીસી એન્ડ એવિડન્સ એક્ટમાં સમુચિત ફેરફારો કર્યા છે. હવે આ નવા કાયદાઓ અદ્યતન અને દૂરંદેશીપૂર્ણ, કડક પણ સુગમ્ય, સરળ પણ ન્યાયી, વ્યાપક અને બંધારણીય બનાવી શકાયા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વલસાડ જિલ્લામાં વિકાસ કાર્યો અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, જિલ્લાના આદિજાતિ બાંધવોનાં વિકાસ માટે ૭૦ કરોડનાં ખર્ચે વિવિધ કામો મંજુર કરવામાં આવ્યા છે. વલસાડ તાલુકામાં નાની દાંતી, મોટી દાંતી ગામે દરિયાઇ પાણીથી જમીનનું ધોવાણ અટકાવવા માટે રૂ.૫૧ કરોડનાં ખર્ચે નવીન ટેક્નોલોજીથી પ્રોટેક્શન વોલ બનાવવાનું ટેન્ડર અંતિમ તબક્કે છે. ઔરંગા નદી પર રૂ.૧૬૫ કરોડનાં ખર્ચે તથા વાપી ખાતે દમણગંગા નદી રૂ.૧૦૫ કરોડનાં ખર્ચે વીયરડેમ બનાવવાની કામગીરીને તાજેતરમાં જ સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. રૂ.૩૮૭.૦૭ કરોડની દમણગંગા બલ્ક પાઈપલાઈન યોજનાને પણ જૂન ૨૦૨૪ સુધીમાં પુર્ણ કરી જિલ્લાના ૧૮૧ ગામ અને ૧ શહેરની કુલ ૧૨.૧૦ લાખ વસ્તીને દૈનિક ૧૩.૮૧ કરોડ લીટર પાણી વિતરણ કરાશે. વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોના લાભાર્થી કુટુંબોને વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૧,૫૮૪ આવાસોને મંજુરી મળી હતી. સત્તા અમારા માટે જનસેવાનું સાધન માત્ર છે. વધુમાં મંત્રીશ્રીએ ગણતંત્ર દિવસ નિમિત્તે ગુજરાતને વિકાસ પથ ઉપર આગળ ધપાવી, નવી ઊર્જા અને નવી ચેતના સાથે આપણે સૌ સાથે મળીને ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવાનો માર્ગ પ્રશસ્ત કરવા માટે કટીબદ્ધ બનીએ એવું આહવાન કર્યુ હતું.
રાષ્ટ્ર ધ્વજના સન્માનમાં પોલીસ જવાનો દ્વારા વોલી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી દ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરાયું હતું. આરપીએફ, વલસાડ જિલ્લા પોલીસ, મહિલા પોલીસ, હોમગાર્ડ મહિલા અને પુરુષ જવાન સહિત ૬ પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. જેમાં આરપીએફની પ્લાટુન પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. પ્રજાલક્ષી સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી આપતા ૮ આકર્ષક ટેબલો વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયા હતા. જેમાં પોસ્ટ ઓફિસનો ટેબલો પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. જિલ્લાની કુલ ૬ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરાઈ હતી જેમાંથી શ્રી વિદ્યા નિકેતન (નોન ગ્રાન્ટેડ) શાળા પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી. વહીવટી વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ અને ૧૦૮ ઈમરજન્સી સેવા સહિત વિવિધ વિભાગના કુલ ૪૧ અધિકારી- કર્મચારી તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સિકલસેલ ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનાર પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો. યઝદી ઈટાલિયાનું પણ વિશેષ સન્માન કરાયું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩માં રાજયની તમામ પાલિકાઓમાં પ્રથમ ક્રમ મેળવનાર વાપી પાલિકાનું સન્માન કરાયું હતું. શૌર્ય પર્વને ઉજવવા તિરંગા બલૂન મંત્રીશ્રીના હસ્તે ઉડાડવામાં આવ્યા હતા. વલસાડના વિકાસની વાતોને રજૂ કરતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન મંત્રીશ્રીના હસ્તે કરાયું હતું. રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક કલેકટરશ્રીને અર્પણ કરાયો હતો.
મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો દ્વારા કોલેજના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ અને ધરમપુરના ધારાસભ્ય સર્વશ્રી ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ, વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું.