ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ બ્લડબેંકના માનદ મંત્રી અને સિકલસેલ સિકલ સેલ એનિમિયા નિવારણ પ્રોજેક્ટના હેડ ડૉ. યઝદી ઇટાલિયાની પદ્મ શ્રી એવોર્ડમાં પસંદગી થતાં વલસાડ જિલ્લામાં ખુશીની લાગણી ફરી વળી છે.
તેઓ ગુજરાત સરકારના સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમના ભૂતપૂર્વ ડિરેક્ટર રહ્યાં હતા. આ કાર્યક્રમને અખિલ ભારતીય સ્તર માટે એક મોડેલ પ્રોજેક્ટ તરીકે વડાપ્રધાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ઈન્ડો-યુએસ NBS પ્રોજેક્ટ સહિત ઘણા ICMR સંશોધન પ્રોજેક્ટ માટે સહ-તપાસકર્તા છે.
સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા નિવારણ અને નિયંત્રણ માટે આરોગ્ય સેવાઓમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેમને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
26 મી જાન્યુઆરીના પૂર્વ સંધ્યાએ દેશમાં પદ્મ શ્રી તરીકે 34 લોકોની પસંદગી જાહેર કરાઈ છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ડો. યઝદી ઇટાલિયાની પસંદગી થતાં સમગ્ર વલસાડ જિલ્લો ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.