અવસર લોકશાહીનો, અવસર ચૂંટણીતંત્રના મહાયજ્ઞનો-વલસાડ જિલ્લો: વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, DEO APP લોન્ચ કરાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે તા. ૨૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૦-૦૦ કલાકે જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને ૧૪ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ‘‘મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ’’ થીમ આધારિત કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના મતદારો અને અધિકારીઓ માટે ઉપયોગી DEO APP નું લોચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા ચૂંટણી અધિકારી -વ- કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મતાધિકારના ઉપયોગથી શું પરિવર્તન આવી શકે તે અંગે વિસ્તૃત છણાવટ કરતા જણાવ્યું કે, આપણી આજુબાજુના ઘણા દેશોમાં ચૂંટણી સમયે લશ્કરી કવાયત અને યુદ્ધ જેવો માહોલ જોવા મળે છે. જ્યારે આપણો દેશ શાંતિના માહોલમાં લોકશાહીનો પર્વ ઉજવે છે. અધિકારીઓ મતદાન પણ કરે છે અને મતદાનની સમગ્ર પ્રક્રિયા પણ પૂર્ણ કરાવે છે. જિલ્લામાં ૧૩૫૯૬ મતદાન મથકો છે. ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે આઠ કલાક સુધી અનેક અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સુરક્ષા માટે પોલીસ જવાન તૈનાત હોય છે. મત ગણતરીના દિવસે પણ જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણીની કામગીરી નિર્વિઘ્ને પૂરી થાય તે માટે સતત કાર્યશીલ રહે છે. આપણે અધિકાર અને કર્તવ્યની વાત કરીએ તો આપણને ખબર હોવી જોઈએ કે, આપણા ઘરની પાસે રસ્તા, પાણી કે વાહન વ્યવહારની જે સુવિધા મળે તે આપણા મતથી મળે છે. દેશને જીતાડવા માટે આપણે મત આપીએ છે. સ્વતંત્ર અને લોકશાહી દેશના નાગરિક તરીકે આપણને મતદાનનો અધિકાર આપ્યો છે તેનો ઉપયોગ પોતાના માટે અને દેશના માટે કરીશું એવી કલેકટરશ્રીએ સૌ મતદારોને અપીલ કરી હતી.

લોકશાહીમાં એક એક મતનું મહત્વ સમજાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું કે, આપના દેશમાં આઝાદી પછી સ્વતંત્ર ચૂંટણી થતા લોકશાહી જીવંત રહી છે. લોકતંત્ર એક એવી પ્રણાલી છે. જેમાં તમે કોઈ પણ ધર્મ,વર્ગ, જાતિ, સમાજ, ભાષા કે ક્ષેત્રના હોય તમને મતદાનનો સંપૂર્ણ અધિકાર છે. સરકાર સામે લોકોની અનેક ફરિયાદ હોય છે પણ ઘણા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નથી. લોકશાહીમાં એક એક મતનું મહત્વ છે. એક મતથી ચૂંટણી હારી ગયાના અનેક બનાવો છે. જેથી દરેક મતદારે પોતાના મતનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. જેનાથી દેશ આગળ વધશે. આપણા દેશમાં આપણે શાંતિ અને નિર્ભિક રીતે મતદાન કરી શકીએ છે. મતદાનથી કોઈ પાર્ટી ચૂંટણી જીતતી નથી પણ દેશ જીતે છે.
આ પ્રસંગે અવસર (હું ભારત છું) શોર્ટ ફિલ્મ અને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારનો રેકોર્ડેડ સંદેશ સૌએ નિહાળ્યો હતો. રાષ્ટ્રીય મતદાતા દિવસ અન્વયે ૧૭૯-વલસાડ વિધાનસભા બેઠકના સુપરવાઈઝર કિર્તેશ એમ ગોહિલે વક્તવ્ય આપ્યું હતું.
લોકસભા ચૂંટણી-૨૦૨૪ પારદર્શક અને સુગમતા ભરી રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અધિકારીઓ અને મતદારોને જિલ્લાના તમામ મતદાન મથકો, ચૂંટણીને લગતા મહત્વના અપડેટ્સ અને સૌથી નજીકના મતદાન મથકની માહિતી તેમજ મતદાર યાદીમાં પોતાનું નામ તપાસવા સહિતની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે DEO એપ. આ પ્રસંગે લોન્ચ કરવામાં આવી હતી. વધુમાં વધુ લોકો આ એપ ડાઉનલોડ કરે અને તેનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અપીલ કરાઈ હતી.
આ પ્રસંગે ૧૮૦ પારડી વિધાનસભા બેઠકના મદદનીશ ચૂંટણી અધિકારી -વ- નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ, નોડલ ઓફિસર મતદાર જાગૃતિ -વ- જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારા, નોડલ ઓફિસર અસક્ષમ મતદારો -વ- જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વી.એમ. ગોહિલ, વલસાડ તાલુકા મામલતદાર પી.કે.મોહનાની, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામિત સહિતના અધિકારીઓ- કર્મચારીઓ અને વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે કર્યું હતું. આભારવિધિ મામલતદાર ચૂંટણી તૃપ્તિ ગામીતે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખુશ્બુ ભંડારીએ કર્યું હતું.

જિલ્લાની મતદાર યાદીમાં પ્રથમ ક્રમે નોંધાયેલા મતદારનું સન્માન કરી જિલ્લા કલેકટરશ્રીએ નવી પહેલ શરૂ કરી
વલસાડ જિલ્લા કલેકટરશ્રીએ મતદાર યાદીમાં પ્રથમ ક્રમે નોંધાયેલા મતદાર મધુબેન દયાળજીભાઈ રોહિતનું વિશેષ સન્માન કરી નવી પહેલ શરૂ કરી છે. પાંચ જેટલા યુવા મતદારોને EPIC વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. ત્રણ વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટેટ આઇકોન (થર્ડ જેન્ડર કેટેગરી) મારિયા પંજવાણીનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરાયું હતું. જિલ્લાના ચાર બેસ્ટ E.R.O, A.E.R.O, મામલતદાર ચૂંટણી, નાયબ મામલતદાર (મતદાર યાદી), જિલ્લાના પાંચ બેસ્ટ સુપરવાઈઝર, જિલ્લાના પાંચ બેસ્ટ BLO, જિલ્લાના બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર અને યુવા મતદાર મહોત્સવના ૧૨ વિજેતાઓને એવૉર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા. દરેક ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીશું એ અંગે સૌએ પ્રતિજ્ઞા લીધી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!