ગુજરાત એલર્ટ । વલસાડ
500 વર્ષોના સંઘર્ષ પછી અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું છે. પ્રભુ શ્રીરામની પ્રતિમાની તા. 22.01.24 ના રોજ જન્મભૂમિ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. જે ગૌરવવંતી ક્ષણની પૂર્વ સંધ્યાએ તા.21.01.24 નાં રોજ વલસાડની હિન્દુ સેવા સંસ્થા અને સર્વ હિન્દુ સમાજ દ્વારા સાંજે 7 કલાકે તિથલ દરિયાકિનારે 51,101 દીવડાં પ્રગટાવી મહાઆરતી કરાતા સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.
આ 51 હજાર દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાઈ હતી. તિથલના બીચ ઉપર આવેલા વોક વે તથા મેઈન બીચ ઉપર દીવડા પ્રગટાવવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમને જોવા પણ હજારો લોકો ઉમટી પડ્યાં હતાં. મહિલાઓ દ્વારા ફૂલહારના ઉપરાંત રંગોળી દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સુભાષ એન્ડ પાર્ટી દ્વારા રામધૂન સાથે વિવિધ ભજનો પીરસાતાં લોકો ઝૂમી ઉઠ્યા હતાં. દરિયા કિનારે ભવ્ય આતશબાજી કરાતા દિવાળી જેવા માહોલ બની ગયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, કથાકાર પ્રફુલભાઈ શુક્લ, ભરતભાઈ વ્યાસ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતમાં પ્રથમ વખત દરિયાકિનારે 51 હજાર દીવડાનું સફળ આયોજન કરવા બદલ આયોજક રતન રાજપુત, બકુલ રાજગોર, તિથલ સરપંચ રાકેશ પટેલ સહિત તમામ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા.