ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો ઝેરમુક્ત ખેતી કરતા થાય તે માટે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા પણ સમયાંતરે પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોની મુલાકાત કરી તેઓને પ્રોત્સાહન પુરી પાડી રહ્યા છે. થોડા સમય અગાઉ કલેકટરશ્રીએ વલસાડ તાલુકાના કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતીના ફાર્મની મુલાકાત લીધા બાદ તા. ૧૮ જાન્યુ.ના રોજ પારડી તાલુકાના ડુમલાવ ગામમાં પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી.
પારડી તાલુકાના ડુમલાવ ગામ ખાતે પ્રાકૃતિક મોડલ ફાર્મ ધરાવતા ખેડુત રોહિતભાઇ પટેલના ખેતરની કલેકટરશ્રીએ મુલાકાત લઈ અલગ અલગ પ્રકારના શાકભાજી, કઠોળ, હળદર, ફળપાકો, ડાંગર વગેરે પાકોનું નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ ખેડૂત સાથે વાતચીતમાં પ્રાકૃતિક ખેતી કેટલા સમય થી કરો છો અને જીવામૃત ઘનજીવામૃત અને અર્કનો ઉપયોગ કરો છો કે કેમ તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂત રોહિતભાઈ દ્વારા અન્ય કેટલા ખેડૂતોને તાલીમ આપી અને કેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા તે બાબતે ચર્ચા કરી હતી. પ્રાકૃતિક ખેતીની પેદાશોના વેચાણ માટે કોઈ તકલીફ નથી પડતી તે અંગે પૂછતા ખેડૂત રોહિતભાઈએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીની પેદાશો પારડી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે અને વલસાડ તિથલ રોડ પર ડીડીઓ બંગલાની સામે ખુલ્લા મેદાન પર વેચાણ માટે જતા હોવાનું જણાવ્યું હતું.
પારડી ખાતે કેટલા મોડલ ફાર્મ છે અને જિલ્લામાં કુલ કેટલા મોડલ ફાર્મ છે તે અંગે જિલ્લા કલેકટરશ્રીએ વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેકટના ડાયરેકટર ડી.એન.પટેલ સાથે ચર્ચા કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, પારડી તાલુકામાં ચાલુ વર્ષે કુલ ૧૧ મોડ્લ ફાર્મ છે, જ્યારે જિલ્લામાં કુલ ૮૬ પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ છે. કુલ ૧૮૦૦૦ કરતા વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી જિલ્લામાં કરે છે અને ૧ લાખ કરતા વધુ ખેડૂતોને ૧ વર્ષમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. વેચાણ માટે જિલ્લામાં બે જ્ગ્યા કાયમી સાથે ૬ જગ્યા હંગામી અને ૬૦ થી વધુ ખેડુતો પોતાના ઘરેથી સીધુ વેચાણ કરે છે.
આ મુલાકાત વેળા પારડીના પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, પારડી મામલતદાર આર.આર.ચૌધરી ,પારડી તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ તેમજ આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટર વિમલ પટેલ અને આત્મા સ્ટાફ તેમજ અન્ય પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા.