ગુજરાત એલર્ટ । વલસાડ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ને ધ્યાને લઈ મતદારોમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિમાં વધે તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતથી ફાળવવામાં આવેલી LED મોબાઈલ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.પટેલ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર શ્વેતા પટેલ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્વેતા દેસાઈ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિજય ગોહિલ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક એમ.સી.ગોહિલ અને વલસાડ ગ્રામ્ય મામલતદાર પી.કે.મોહનાની ઉપસ્થિત રહ્યા હતા.
આ LED મોબાઈલ વાન દ્વારા વલસાડ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગમાં ઈવીએમ અને વીવીપેટ અંગે નિદર્શન કાર્યક્રમનું વિધાનસભા બેઠક પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે.
જે મુજબ ૧૭૯- વલસાડ વિધાનસભા બેઠક પર તા. ૧૯ થી તા. ૨૯ જાન્યુઆરી સુધી, ૧૭૮- ધરમપુર વિધાનસભા બેઠક પર તા. ૩૦ જાન્યુ.થી તા. ૫ ફેબ્રુ. સુધી, ૧૮૦- પારડી વિધાનસભા બેઠક પર તા. ૬ થી તા. ૧૪ ફેબ્રુ. સુધી, ૧૮૨- ઉમરગામ વિધાનસભા બેઠક પર તા. ૧૫ થી તા. ૨૩ ફેબ્રુ. સુધી અને ૧૮૧- કપરાડા વિધાનસભા બેઠક પર તા. ૨૪ થી તા. ૨૯ ફેબ્રુ. સુધી નિદર્શન કરવામાં આવશે. જેનો જાહેર જનતા અને ખાસ કરી યુવા અને ગ્રામ્ય મતદારોને લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.