ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ ખેરગામ રોડના નવિનીકરણના અટકેલાં કામમાં આખરે ફોરેસ્ટ ક્લિયરન્સ મળતા આગામી દિવસોમાં વલસાડ ખેરગામ રોડના નવીનીકરણનું કામ પૂરજોશમાં ચાલશે. વલસાડ ખેરગામ રોડમાં વૃક્ષો હટાવવાની પરવાનગી ન મળતા છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
વલસાડ ખેરગામ રાજ્ય ધોરીમાર્ગ છેલ્લા 9 વર્ષથી બન્યો નથી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજિત રૂપિયા 18 કરોડનાં ખર્ચે આ રોડ નવીનીકરણ કરવાની મંજરી આપતાં વનવિભાગ વિલનની ભૂમિકામાં આવી ગયો હતો. વલસાડ સામાજીક વનીકરણ વિભાગએ રોડની આજુબાજુ આવેલી જમીન વનવિભાગની માલિકીની હોવાનું જણાવી રોડ ખાતા દ્વારા કરવામાં આવેલ રહેલું નવીનીકરણનું કામ બંધ કરાવી એજન્સી ઉપર કેસ કરી દેતા ભારે વિવાદ થયો હતો. જે મામલો લાંબા સમય સુધી ગૂંચવાતા ગત મે માસમાં રસ્તા પરનો વાહન વ્યવહાર જ બંધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેને પગલે વલસાડ અને ખેરગામ તાલુકાના 30 જેટલા ગામના સરપંચોએ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપ્યા બાદ નાના પુલોના કામ પતાવી ચોમાસા દરમિયાન વાહનવ્યવહાર ચાલુ રખાયો હતો.
ત્યારબાદ પણ ફોરેસ્ટ ક્લિયરન્સની કામગીરી લટકતા ગત ડિસેમ્બર માસમાં સરપંચોએ ફરી આંદોલનનો સૂર ઉગામ્યો હતો. સરપંચો ના આંદોલનથી હળબડી ઉઠેલા માર્ગ અને મકાન વિભાગ એ વલસાડ ખેરગામ રોડ પર આવેલા શેખવા ગામે નાના ભૂલનો સ્લેબ્રોન નું કામ તોડીને નવું બનાવવાનું શરૂ કરી સરપંચોને થોડી રાહત આપી હતી. દરમિયાન લાંબા સમયથી ફોરેસ્ટ ક્લિયરન્સ મેળવવાનો સતત પ્રયત્ન કરતા ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઇ સક્રિય રહેતા આખરે ગતરોજ ફોરેસ્ટ કલિયરન્સ મળ્યું છે.
આ અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે વાતચીત કરતા તેમણે દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટની મળેલી બેઠકમાં ગતરોજ ફોરેસ્ટ મંજૂરીનો નિર્ણય લેવાયો હોવાનો જણાવ્યું હતું. આ નિર્ણયને પગલે વલસાડ ખેરગામ તાલુકાના રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ છે સાથે જ સરપંચોએ કનુભાઈ દેસાઈનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
વલસાડ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીનભાઈ પટેલના જણાવ્યા મુજબ હવે ખૂબ જ ઝડપથી રોડનું કામ શરૂ કરવામાં આવશે. આગામી બે ત્રણ મહિનામાં સમગ્ર રોડ નવીકરણ થઈ જાય એ મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.