ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડનાં રામલાલા મંદિરનો ઇતિહાસ અયોધ્યા સાથે જોડાયેલો છે. અયોધ્યાથી નાશિક ત્ર્યંબકની યાત્રાએ આવતા સાધુ બાવાઓના ઝુંડ, નાગા બાવાઓ કે હાથીવાળા સાધુઓ વલસાડ પારડીના રામલાલા મંદિરમાં બે ચાર દિવસનં રોકાણ કરતા, ભજન, કિર્તન સાથે રામધુનથી ગામનું વાતાવરણ રામલલ્લામય બની જતું. આ મહાત્માઓના રહેઠાણ અને ભોજનનો ખર્ચ ગામ લોકો દ્વારા ઉપાડી લેવામાં આવતો હતો.
હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનો આધાર ભગવાન રામ, પરાપૂર્વથી એટલે અતિ પૂરાતન કાળથી, આ વાત ખાસ કરીને હિન્દુસ્તાનના ધબકતા હૃદય દ્વારા રકતમાં વણાયેલુ સત્ય છે. વલસાડ જિલ્લાનું વલસાડ પારડી ગામ રામલાલાનું પર્યાય કહેવાય છે અને એમના થકી વિશેષ ઓળખાય છે. ગામના અનાવિલો મંદિરની ધરોહરને હદયસ્થ કરી એના થકી સંગઠનાત્મક ભાવને પામી શક્યા છે.
ગામના પૂજનીય સદ્ગત પૂર્વજોએ ચાતરેલા ચીલા મુજબ આજે પણ મંદિરનું સંચાલન પરંપરાગત રીતે ચાલી રહયું છે. આજે જયારે દેશ રામમય બન્યો છે ત્યારે અયોધ્યાની રામલલ્લાની ગાદી સાથે જોડાયેલા વલસાડ પારડી ગામના રામલાલા મંદિરનો ભાવનાત્મક ઈતિહાસ વર્તમાન સમયમાં યોગ્ય રંગપૂણિ કરવાને સમર્થ છે.
ગામનાં અગ્રણી સતિષભાઈ દેસાઈના જણાવ્યાં મુજબ ગામના પૂર્વજોએ જે તે સમયે કરેલી વાતોનો આધાર પેઢી દર પેઢીના ગ્રામવાસીઓની લોકવાયકામાંથી જાણી માણી અને સમજી શકાય છે. કેટલીક વાતો ગામના પૂજય કમુબા પાસેથી જાણેલી એ મુજબ આશરે ૨૦૦ વર્ષ પૂર્વે ગામના કાનજીભાઈ અનાવિલે ગામના જ સુથાર ગૃહસ્થ સાથે અયોધ્યાનો પ્રવાસ કરવાની હિમ્મત કરેલી. આ અયોધ્યા યાત્રાની ફલશ્રૃતિ રૂપ ૨૦૦ વર્ષ પૂર્વે વલસાડ પારડીમાં રામલલ્લા મંદિરનું નિર્માણ થઈ શકયુ હતુ.
એ યાત્રામાં અયોધ્યાના મંદિર મહંતના સુચન અને માર્ગદર્શન મુજબ, “બનાવો તો રામલલ્લાનું મંદિર બનાવજો” અને અયોધ્યાની રામલલ્લાની ગાદી સાથે જોડાયાના આશિર્વાદ પણ આપ્યા જયારે વલસાડ પારડીમાં રામમંદિર બન્યુ ત્યારે અયોધ્યાના મંદિરની નોંધપોથીમાં આ મંદિરની નોંધ લખવામાં આવી હતી. જેથી અયોધ્યાથી નાશિક ત્ર્યંબકની યાત્રાએ આવતા સાધુ બાવાઓના ઝુંડ આ મંદિરમાં રોકાણ કરતા હતાં. તે સમયે અયોધ્યાથી આવતા સાધુ સંતો મહંતો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે પ્રત્યેક ઘરની અનાવિલ મહિલાઓ અગીયારસનું વ્રત કરતી અને બીજા દિવસે બારસના પારણાં કરતી સાથે એક બ્રાહમણને જમાડવાનો રીવાજ હતો. અયોધ્યાના જોડાણ પછી એક નિયમ બનાવવામાં આવ્યો કે બારસના દિને દરેક ઘરેથી ક્ષમતા મુજબનું કાચુ સીધુ મંદિરે મોકલવું. ગામમાં મોટે ભાગે ખેડુત પરિવાર હોય પ્રતિવર્ષ ખેતીમાં જે પાકે એમાંથી રામલલ્લાનો ભાગ અલાયદો રાખવામાં આવતો. એમાંથી મહિનામાં બે બારસ આવે તે દિવસે મંદિરે ભરપુર કાચુ સીધુ આપવામાં આવતુ. આમ મંદિરના મહંત અને અયોધ્યાથી આવતા મહાત્માઓના નિભાવનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો.
કહેવાય છે કે મંદિર નિર્માણમાં અનાવિલો સાથે કેટલાક મિસ્ત્રી ભાવિકોનો પણ સંપુર્ણ સહકાર મળ્યો હતો. ત્યારે ગુંબજ વગરનું લાકડાના ભરપૂર ઉપયોગ સાથે નળિયાવાળુ ત્રિશંકુ આકારનું ધ્વજ પતાકાવાળુ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યુ હતુ. આમ આશરે ૨૦૦ વર્ષ પહેલા રામલલ્લાની પધરામણી વલસાડ પારડીમાં થયેલી. વર્ષો પછી ૧૯૮૨ માં સાંપ્રત અનાવિલો એ મંદિરનું નવનિર્માણ કરી નવા સુંદર મંદિરનું નિર્માણ કર્યુ. આ નવતર મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં કાંચી કામકોટીના જગદ્ગુરૂ શંકરાચાર્ય પરમપૂજય જયેન્દ્ર સરશ્વતીની પધરામણી થયેલી. જગદ્ગુરૂની ઉપસ્થિતી પણ અયોધ્યા સ્થિત રામલલ્લાની ગાદી સાથે મંદિરની ગાદીના જોડાણ ઉપલક્ષ્યમાં થઈ શકી હતી. જેનુ ગૌરવ આજે પણ ગામ લોકો લઈ શકે છે.
મંદિર સંકુલમાં મંદિરના સદ્ગત પૂજારીની ખાંભી બનાવવામાં આવે છે. આજીવન મંદિરમાં પ્રભુની સેવા કરી હોય અને અહીં જ દેહનિર્વાણ થાય તો શ્રધ્ધાંજલી સ્વરૂપે ખાંભી બનાવવાનું સુચન પણ અયોધ્યાથી આવનારા મહંતોનું હતુ. એજ રીતે અયોધ્યાથી વલસાડ પારડી મંદિરમાં આવનારા મહંતોએ ૨૦૦ વર્ષની આવરદા ધરાવનાર બોરસલ્લીના વૃક્ષનું વાવેતર કર્યું હતું જે આજે પણ મંદિર સંકુલમાં મહંતોની યાદમાં અડીખમ ઊભુ છે.
“રામલલ્લા” મંદિરનું નામ સમયાંતરે “રામલાલા” મંદિર થઈ ગયું
“રામલલ્લા” મંદિરના નામ સંદર્ભે પણ એક વાયકા છે. જેમકે “વડશાળ” ગામનું નામ સમયાંતરે “વલસાડ” થઈ ગયું. તેમ “રામલલ્લા” મંદિરનું નામ સમયાંતરે “રામલાલા” મંદિર વલસાડ પારડીના નામથી પ્રસિદ્ધ થયુ છે.
રામાયણનો વિશેષ પરિચય થાય એટલા માટે “રામલાલા પ્રશ્નપત્ર” સ્પર્ધાનું આયોજન
અયોધ્યાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે તા. ૧૮/૦૧/૨૦૨૪ થી તા. ૨૨/૦૧/૨૦૨૪ સુધી વલસાડ પારડીમાં ભરચક કાર્યક્રમની જાહેરાત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જેમાં ભજનકિર્તન, ગરબા ઉત્સવ, રામાયણ પર કવીઝ અને વેશભૂષા સ્પર્ધા, રામલાલાની પાલખી અને કળશ યાત્રા, શેરી શણગાર, લાઈટીંગ, સાંથિયા, દીવડાં અને આસોપાલવ તથા ફુલના તોરણો તેમજ વર્તમાન પેઢીને રામાયણનો વિશેષ પરિચય થાય એટલા માટે “રામલાલા પ્રશ્નપત્ર” જે ગામના દરેક ઘરોમાં ઉત્તર માટે મોકલવામાં આવશે. તા. ૨૨મીએ સવારે મગોદ શાંતિમંદિરના ભૂદેવો દ્વારા વિધિ વિધાન સાથે પૂજન અર્ચનનો કાર્યક્રમ સાથે ૫૭ ભોગ અને મહા આરતી થશે અને એ જ દિને રરમીએ સાંજે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.