ગુજરાત એલર્ટ l આહવા
અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪/૧/૨૦૨૪ થી તા.૨૨/૧/૨૦૨૪ સુધી, દેશભરના તમામ નાના મોટા ધર્મ સ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
ગુજરાત રાજ્ય પણ વડાપ્રધાનના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા.૧૪/૧/૨૦૨૪ થી તા.૨૨/૧/૨૦૨૪ દરમ્યાન વિશેષ સફાઈ અભિયાનનું જન આદોલન હાથ ધરાયુ છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતમા વઘઈ ખાતે અંબા માતાજીના મંદિર તેમજ મંદિર પરિસરની સફાઈ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રંસગે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, ઉપ પ્રમુખ વનિતાબેન ભોયે, ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, આદિજાતિ વિકાસ અધિકારી આર.કે.કનુજા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.