ગુજરાત એલર્ટ । વલસાડ
22 મી જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે થનારી અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વલસાડના લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા જેમની સાથે જોડાયેલી છે એવા હાજરાહજુર ઐતિહાસિક સંકટહરણ હનુમાનજી મંદિરે આવતી તા. 20 જાન્યુઆરીથી તા. 28 જાન્યુઆરી સુધી વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લની રામકથાનો મંગલમય પ્રારંભ થશે. નવદિવસીય રામકથા અનુષ્ઠાન અંતર્ગત તમામ ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવવામા આવશે. એવી ઐતિહાસિક રામકથા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં આજે કથાકાર પ્રફુલભાઇ શુક્લએ કહ્યું હતુ કે ” 35 વર્ષ પછી યોજાયેલી આ રામકથા સંકટહરણ હનુમાનજીને અર્પણ છે, આખું વિશ્વ જયારે રામમય બની રહ્યું છે ત્યારે આ રામકથા અનેરો આનંદ આપનારી રહેશે. આજથી 35 વર્ષ પહેલાં વલસાડના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ પારનેરાના સરપંચ હતા ત્યારે રામકથા યોજાઈ હતી. આ ભવ્ય રામકથામા સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આજે પત્રકાર પરિષદમા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 20 મી જાન્યુઆરીએ પારનેરા રાધા કૃષ્ણમંદિરેથી અલગ અલગ 31 ગામોમાથી બપોરે 1 વાગ્યે પોથીયાત્રા પ્રસ્થાન થઇ સંકટહરણ હનુમાનજી મંદિરે જશે. દરરોજ બપોરે 3 થી 6 ચાલનારી આ રામકથામા કથા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. કથાને સફળ બનાવવા માટે સંકટહરણ હનુમાનજી મંદિર ટ્રસ્ટીગણ સહીત ભાવિક ભક્તો તનતોડ મેહનત કરી રહ્યા છે.