ગુજરાત એલર્ટ । વલસાડ
ધો. ૧૦ અને ૧૨ બોર્ડના વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે વલસાડ જેસીઆઈ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે વલસાડની બીએપીએસ સ્કૂલમાં એન્જોય યોર એક્ઝામ સેમિનાર યોજાયો હતો. જેનો ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સેમિનારમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક હેલ્પ લાઇન નંબર ૭૪૮૭૦૦૪૪૪૩ લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ સેમિનારના મુખ્ય મહેમાન જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા, જેસીઆઈ ઇન્ડિયાના ટ્રેનિંગ ઝોન ૮ના ઝોન ડિરેક્ટર જેએફપી યોગેશ્વરીબેન રાઠોડ અને બીએપીએસ સ્કૂલના ડિરેક્ટર માનસીંગ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ મેળવેલા જ્ઞાનને જ્ઞાનની પરબ બનાવી પીરસી હતી. જિલ્લા શિક્ષણાધિકારી મણીલાલ ભુસારા, જેસી ડો.શ્રીકાન્ત કનોજિયા અને ફોકસ ઓનલાઇન સંસ્થાના કો ફાઉન્ડર હેતલબેન પરીખે અનેક મહાનવિદોના દ્રષ્ટાંતોથી વિદ્યાર્થીઓમાં નવુ જોમ ભરી બોર્ડની પરીક્ષાની તૈયારી માટે મહાનુભાવોના અનુભવોથી પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુંઝવણો દુર કરી આત્મવિશ્વાસથી ભરપૂર બનાવ્યા હતા.
જેસી ડો. શ્રીકાન્ત કનોજિયાના માર્ગદર્શન હેઠળ ચાલતો આ કાર્યક્રમ જેસીઆઈ પ્રમુખ જેસી પ્રણવ દેસાઈ દ્વારા વલસાડ જિલ્લાને “તમે એકલા નથી હેલ્પ લાઇન”, નિઃશુલ્ક કોચિંગ અને “એન્જોય યોર એક્ઝામ” વિષયના સેમિનાર ડ્રાઈવ સાથે શરૂ કરાયો છે. જેમાં વલસાડ જિલ્લાના ૨૦૨૪ની બોર્ડની પરીક્ષા આપનાર દરેક નબળા વિદ્યાર્થીઓને આવરી લેવાશે. પ્રોજેક્ટ ચેરપર્સન જેસી ઋજુતા પારેખ, જેસી યોગેંદ્ર તોમર, જેસી આદિત્ય ચાંપાનેરી, જેસી મહાવીર શાહ તથા અન્ય જેસીઆઈ પરિવારના સભ્યોએ આ સેમિનાર ડ્રાઈવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. જેસીઆઈ પ્રમુખ જેસી પ્રણવ દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. પ્રોજેક્ટ ચેરપર્સન જેસી ઋજુતા પારેખે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન જેસી કિશોર તોલાણી તથા જેસી શ્વેતા શાહે કર્યુ હતું.