ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના પ્રબુધ્ધ નાગરિકો અને સાહિત્ય રસિકો માટે નિરંતર કાર્યરત બુધસભાના ૧૦માં વર્ષના મંગલાચરણ પ્રસંગે વલસાડના હાલર ખાતે શ્રીનગર સોસાયટીમાં ગુજરાત સરકારના માહિતી ખાતાના નિવૃત્ત અધિક માહિતી નિયામક અને સાધક તેમજ આધ્યાત્મિક કવિશ્રી દલપત પઢિયારનો કાવ્ય ગુંજન અને સંતવાણી ગાન કાર્યક્રમ સમી સાંજે યોજાયો હતો.
બુધસભાના આયોજક અને વલસાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન ટિક્કુના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કવિશ્રી દલપત પઢિયારે જણાવ્યું કે, ૧૦ મું વર્ષ દરેક દિશામાં મંગળ કરે છે. ૧૦ વર્ષ સુધી બુધસભા ચલાવવી એ શબ્દોના અનુષ્ઠાનનો યજ્ઞ છે. કાવ્ય ગુંજન અને સંતવાણી અનુભવનું જ્ઞાન છે. સમાજને જાગૃત કરવા બોધ અને અનુભવની વાણી લખી છે. વિનોબા ભાવે કહે છે કે, કબીરથી માંડીને અનેક સંતોની પરંપરાએ આ દેશને ભાષા, વર્ગ અને જીવનની રીતે એક રાખ્યો છે. આપણા સંતોએ અપાર વાણી આપી છે જેનાથી જીવન તરી જવાય છે. વધુમાં તેમણે કહ્યું કે, ત્રીજા ધોરણમાં ‘‘છોગાળા હવે છોડો…’’ વાર્તા ૩૦ વર્ષ સુધી પાઠ્યપુસ્તકમાં લાખો વિદ્યાર્થીઓ ભણ્યા છે. શિક્ષક અને સર્જકની ઓળખ એના જ્ઞાનથી થાય છે. જ્ઞાનનું ગૌરવ હોવું જોઈએ પણ અભિમાન નહિ. બધાને સમાવે તે ગુરુ કહેવાય. ગુરુ આકાશ જેવા હોય છે. જે બધાને સમાવી લે છે. બંધન અને મુક્તિનું કારણ મન જ છે. દરેકની પોતાની સંવેદના હોઈ છે.
વધુમાં કવિશ્રીએ ‘‘મેલો દલપત ડહાપણ મેલો…’’, ‘‘મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે, ઘર મારુ ઝળહળતું…’’ અને સ્વજનોની સ્મૃતિમાં પુણ્ય સ્મરણ કવિતા ‘‘અમને કોની સગાઈ આજ સાંભળે…’’ અને લાલચ ભરેલી સ્વાર્થની ઈચ્છા સમજાવતી ‘‘હોંચી રે હોંચી…’’ કવિતાનું રસપાન કરાવતા ઉપસ્થિત પ્રજ્ઞાચક્ષુ બાળકો તેમજ શ્રોતાઓ ભીંજાયા હતાં. આ સિવાય અખાના છપ્પાની પણ કવિશ્રી પઢિયારે સમજણ આપી હતી. ૧૬૦ જેટલાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ આ કાર્યક્રમમાં ગીતો અને કાવ્યોની ઊજાણી કરી હતી.તમામ બાળકોને ખાદીના હાથ રૂમાલની ભેટ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય અંધજન મંડળના માનદ મહામંત્રી રામભાઇ પટેલે કાર્યક્રમની સરાહના કરી હતી.
વલસાડના નનકવાડા સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક બચુભાઈ ઠાકોરે ‘‘કબીરા ખડા બજાર મેં…’’ ભજન અમૃતમય વાણીમાં ગાતા સૌએ તાળીના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. આ પ્રસંગે વલસાડના મૂર્ધન્ય કવિશ્રી ઉશનશના દીકરી ચિત્રાબેન પંડ્યાના હસ્તે કવિશ્રી દલપત પઢિયારનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પુસ્તક પરબ સંસ્થાના સંચાલક ડો. આશા ગોહિલ, બુધસભાના સાથી ધીરુ મેરાઈ, મહેશ દેસાઈ, મધુસૂદન દેસાઈ, દિનેશ દેસાઈ, લોકગાયક પ્રકાશ પટેલ, પરસોત્તમ રાઠોડ, મુસ્તાક શેખ અને અન્ય સભ્યો સહિત અનેક બુધ્ધિજીવી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગતવિધિ ડો.રાધિકાબેન ટિક્કુએ કરી હતી. કવિશ્રીનો પરિચય મીના શાહ મારફત કાવ્યાત્મક રૂપે રજૂ કર્યો હતો. અંતે રમેશભાઈ ચાંપાનેરીએ આભારવિધિ કરી હતી.