એક એવો તબીબી કેમ્પ જ્યાં અમેરિકા, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયાથી આવેલાં ડોકટરો કલાકો સુધી ખડેપગે દર્દીઓની મફતમાં સેવા કરી રહ્યાં છે.

ગુજરાત એલર્ટ । ધરમપુર
દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ઉચ્ચ ગુણવત્તાની વ્યાપક તબીબી સારવાર વિના મુલ્યે ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા તા. ૧ – ૭ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ૭ દિવસ સવારે ૮:૩૦ થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી ‘મફત સર્વરોગ નિદાન અને સારવાર કૅમ્પ’ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં તમામ રોગોની સામાન્યથી લઈને સર્જીકલ એમ દરેક પ્રકારની ઉચ્ચ આધુનિક સારવાર તદ્દન મફત આપવામાં આવી રહી છે. આ સમગ્ર કેમ્પ દરમિયાન અંદાજિત ૨૫૦૦૦ લોકો લાભાન્વિત થશે.

આ કેમ્પના પ્રેરણાદાતા અને માર્ગદ્રષ્ટા પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં પ્રથમ દિવસે વલસાડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલભાઈ ગામીત તેમજ વલસાડ જિલ્લાના ટર્બ્યુકોલોસિસ હેલ્થ ઓફિસર ડૉ. હરજીતપાલ સિંહ પોતાની હાજરીથી આ સમાજસેવાના કાર્યને બિરદાવ્યું હતું. પૂજ્ય ગુરૂદેવશ્રી અને આ સર્વ મહાનુભાવોના શુભ હસ્તે દીપ પ્રાગટય કરી આ કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે એક વિડિઓ દ્વારા પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી, જેમાં કહ્યું હતું કે, “શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલે આ કેમ્પ એવા વિસ્તારમાં યોજ્યો છે જ્યાં સૌથી વધારે ગરીબ અને આદિવાસી વસ્તી છે, ત્યાં આવો નિઃશુલ્ક મોટો કેમ્પ યોજી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર જે પ્રકારની સેવા કરી રહ્યું છે તે ખુબ સરાહનીય છે. હું પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીને વંદનસહ અભિનંદન પાઠવું છું.”
આ મફત સર્વરોગ નિદાન અને સારવાર કૅમ્પમાં યુ.એસ.એ., કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, સિંગાપોર વગેરે એમ દેશ વિદેશના ૨૦૦ થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જોડાયા છે, જેઓ પોતાના વર્ષોના અનુભવ અને જ્ઞાનનો લાભ આ ક્ષેત્રના લોકોને આપી સહાય કરી રહ્યા છે. કેમ્પની પુર્વ તૈયારી રૂપે ધરમપુર, કપરાડા, ડાંગ, આહવા, પારડી, વાંસદા આદિ ૭ તાલુકાના ૬.૫ લાખ લોકોમાં આ કેમ્પનો પ્રચાર અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે અગાઉથી જ ૨૦૦થી વધુ સર્જરીઓ યોજવામાં આવી હતી. જે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના ૬ અત્યાધુનિક ઓપેરશન થિએટરમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ કેમ્પમાં ૧૫૦થી વધુ સર્જરીઓ થઇ ચુકી છે અને ૫૦૦૦થી વધુ સર્જરીઓ તથા અન્ય પ્રક્રિયાઓ જેમ કે સોનોગ્રાફી, એક્સ રે, એમ.આર.આઈ, સીટી સ્કેન વગેરેની નોંધણી કરાઈ છે જે કરવામાં આવશે.
અહીં વ્યાપક મફત સારવાર સેવાઓ આપવામાં આવી રહી છે જેમ કે જનરલ મેડિસીન, જનરલ સર્જરી, વિકલાંગ, પ્રસુતિ અને સ્ત્રીરોગ, બાળરોગ ચિકિત્સા, હૃદયરોગ, કેન્સર, કાન, નાક અને ગળું, ચામડીના રોગો, પ્રોસ્ટેટ, હાડકાના રોગ, નેત્રરોગ(મફત ચશ્મા આપવામાં આવશે), આંતરડા, કિડની, ફેફસાં, માનસિક રોગ, દાંતના રોગ, મગજની બીમારી (ન્યુરોલોજી) વગેરે. સાથે જ રેડિઓલોજી (સી.ટી.સ્કેન વગેરે), પેથોલોજી, તમામ પ્રકારની દવાઓ, ફિઝિયોથેરાપી, લોહીની તપાસ (એનિમિયા) વગેરે પણ ઉપલબ્ધ છે. પ્લાસ્ટિક સર્જરી, હૃદય રોગ અને કેન્સર સહીત અનેક સર્જરીઓ પણ કરવામાં આવી રહી છે.
આ સાથે કેમ્પના પ્રથમ દિવસે અહીં બે વિશિષ્ટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પહેલી એમ્બ્યુલન્સ ‘ચશ્મા પ્રોજેક્ટ’ માટે છે, જે દૂરના વિસ્તારોમાં ફરશે અને દર્દીઓની આંખની તપાસ કરી ચશ્મા આપશે. બીજી કાર્ડિયાક એમ્બ્યુલન્સ છે, જે હૃદયરોગના ગંભીર દર્દીઓને હોસ્પિટલ તરફ લઇ જતી વખતે રસ્તામાં તાત્કાલિક અને અત્યાધુનિક સારવાર પૂરી પાડશે. તેમજ ‘પ્રોજેક્ટ શ્રુતિ’ અંતર્ગત સાંભળવાની ક્ષતિ ધરાવતાં બાળકોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા, આધુનિક ડિઝાઈનના હિઅરીંગ —એઇડનું વિતરણ પણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ૩૦૦થી વધુ અલગ અલગ મેડિકલ સાધન સહાય જેવીકે નીઓમોશન ડિવાઇસ, અરાઇસ ચેર, કૃત્રિમ પગ, બાળકો માટેની વ્હીલ ચેર, સી.પી. ચેર, વૉકર, લોઅર તેમજ અપર લીંબ વગેરે.
શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટી ડૉ. બીજલ મહેતાએ કહ્યું હતું કે, “આ મહા કેમ્પ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની દૂરદૃષ્ટિથી શક્ય બન્યો છે. અત્યાધુનિક સારવાર સાથે દેશ-વિદેશના નામાંકિત અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનો દુર્લભ સમન્વય એ તેઓશ્રીની કરુણા અને પ્રેમનું ફળ છે. આ ઐતહાસિક કેમ્પ દ્વારા આપણા વિસ્તારમાં, આપણા લોકો માટે વિના મૂલ્યે આટલી બધી ઉચ્ચ સારવાર અને સર્જરીઓ ઉપલબ્ધ કરાવતા અમે ગૌરવ અનુભવીએ છીએ. બધા દર્દીઓ સ્વસ્થ થાય અને સુખમય જીવન જીવે એવી અમારી શુભેચ્છાઓ છે.
તેમણે કેમ્પની વધુ માહિતી માટે 09820007752 / 02633-352010 પર સંપર્ક કરવા જણાવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!