ધરમપુરના જયંતિભાઇ પટેલે પત્નીની યાદોને જીવંત રાખવા નોકરીની તકો શોધતા યુવાનો માટે વાંચનાલય શરૂ કર્યું

ગુજરાત એલર્ટ । વલસાડ
ઉકત પંકિતને સાર્થક કરવા જયંતિભાઇ પટેલે સમાજ સેવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. વાત ધન્ય ધરા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નગારિયા ગામની છે.

​જયંતિભાઇ ગમનભાઇ પટેલે પહેલે થી જ સમાજ સેવા સાથે જોડાયેલા હતા. જીઇબીમાંથી નિવૃત થયા અને શીતળ છાંયડોના નેજા હેઠળ ધરમપુર સિવિલ હોસ્પિટલમાં દર રવિવારે દર્દીઓને બિસ્કીટ અને ફળોનું વિતરણ કરતા. કોરોના કાળ દરિમયાન ધર્મપત્નિ હંસાબેનનું અવસાન થતાં જીવન અધુરૂ લાગવા માંડયું.​તેઓ કહે છે કે, મેં નિશ્વય કર્યો કે, મારા સ્વ. ધર્મપત્નિને માનસ પટલ પર જીવંત રાખવી છે. હોસ્પિટલમાં ફળ-બિસ્કીટ વિતરણ કરી, પરત ફર્યો ત્યાં રસ્તામાં વાંચનાલય આવે છે. વિદ્યાર્થીઓ જગ્યા ન હોવાના કારણે બહાર બેસીને સરકારી નોકરી માટે તૈયારી કરતા હતા. એમને મદદરૂપ થવા મારા પોતાના ધરે જ વાંચનાલય શરૂ કરવાનો નિર્ધાર કર્યો. અને મારા સંકલ્પને સાકાર કર્યો.

​યુવક-યુવતીઓને કારકિર્દી ઘડવા સ્પર્ધાત્મક તૈયારીઓ માટે “શીતળ છાંયડો” વાંચનાલય વર્ષ ૨૦૨૧ માં શરૂ કર્યું. ધરમપુર તાલુકો આદિવાસી વસતિ ધરાવતો તાલુકો છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ યુવાનો સરસ સુવિધા ઊભી કરી. વાંચનાલયમાં અભ્યાસ કરનારા માટે જરૂરિયાત મુજબ સ્પર્ધાત્મક પરિક્ષા માટે ૩૫ થી ૩૭ કેડરના જાહેર પરિક્ષાના અલગ અલગ પુસ્તકો, ઇન્ટરનેટ સુવિધા, કમ્પ્યુટર સહિતની અદ્યતન સુવિધા ઊભી કરી. દૂર વિસ્તારોમાંથી આવતા યુવાનો માટે ચા-નાસ્તો, રહેવા, જમવા સહિતની સુવિધા વિનામુલ્યે પુરી પાડી. યુવક-યુવતીઓ માટે વાંચનાલય આર્શીવાદરૂપ બન્યુ. રેન્બો વોરિયરના શંકરભાઇ પટેલ આ કામગીરીમાં સતત માર્ગદર્શક અને મદદરૂપ બન્યા.
​જયંતિભાઇની સેવાભાવનાની કદર થઇ. કેટલાક દાતાઓ પણ આગળ આવ્યા. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી ૨૧ જેટલા યુવક-યુવતીઓને વર્ગ-૨ થી વર્ગ-૩ માં અલગ અલગ વિભાગોમાં સરકારી નોકરી મળી છે. દર વર્ષે આ સરકારી નોકરી મેળવનારાઓનું દર ડિસેમ્બર માસમાં જાહેર સન્માન પણ કરવામાં આવે છે.

​આ સેવાની પ્રશંસા થઇ. જેનાથી પ્રેરણા મળી. એક નવું સેવાનું સોપાન શરૂ કર્યું. તાજેતરમાં લોકોને રાહતદરે અને જરૂરિયાતમંદોને નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાયો છે. મુખ્ય આશય લોકોને મદદરૂપ થવાનો છે.
​જયંતિભાઇની માનવ સેવા જરૂરિયાતમંદો માટે આર્શીવાદરૂપ બની રહી છે અને સૌના માટે પ્રેરણાત્મક દ્ષ્ટાંત છે.
​શ્રી મેહુલભાઇ પટેલ ધરમપુર બારોલિયા ગામના વતની છે. હાલ તેઓ પાણી પુરવઠા વિભાગમાં આસીસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવ છે. તેઓ કહે છે કે, મધ્યમ પરિવારમાંથી આવું છું. વાંચનાલયમાં હું બે વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે બધી સુવિધાઓ હતી. ૨૪ કલાક અમે ત્યાં રહીને તૈયારી કરતા. જેનું પરિણામ સામે છે. જયંતિભાઇ અમારા માટે પિતાતુલ્ય છે.
​કુ. અદિતિ છોટુભાઇ પટેલ ધરમપુર નગારિયાના રહે છે. કહે છે કે, ધરમપુર લાયબ્રેરીમાં તૈયારી માટે વહેલા જાઉ તો જગ્યા મળે. જેથી મારા ઘરની નજીક શીતલ છાંયડો લાયબ્રેરીમાં મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી. હું નાયબ હિસાબનીશ તરીકે તિજોરી કચેરીમાં ફરજ બજાવું છે. અમને તૈયારી માટે જે પુસ્તકો જોઇતા હતા. એ તમામ ઉપલબ્ધ હતા. અહીં શાંતિ હતી. વાંચવામાં કોઇ મુશ્કેલી ન હતી. જયંતિભાઇ શાંત સ્વભાવના. અમારી મહેનત અને તેમનો સહયોગ અમે લક્ષ્ય સિદ્વ કર્યું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!