ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાની ૨૫ સ્કૂલો તેમજ ફાઇન આર્ટ્સ સ્ટુડન્ટ્સ, ચિત્ર-શિક્ષકો, સ્થાનિક ચિત્રકારો સહિત સાત હજારથી વધુ લોકો ‘રામાયણ’ના જુદા-જુદા પ્રસંગોનું ચિત્રકામ કરશે. વારલી ચિત્રકળાથી પ્રભુ શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા એ ચિત્રને અયોધ્યામાં અર્પણ કરાશે.
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે અને પ્રભુ શ્રીરામની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે એના આનંદમાં સુરતની એ. ડી. સોની ફાઉન્ડેશન દ્વારા દક્ષિણ ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓ, ચિત્ર-શિક્ષકો તેમજ સ્થાનિક ચિત્રકારો સહિત સાત હજારથી વધુ લોકો સાથે મળીને એક કિલોમીટર લાંબા કાપડ પર વારલી ચિત્રકળાથી ‘રામાયણ’ના વિવિધ પ્રસંગોનું ચિત્રકામ કરીને એક અનોખો રેકૉર્ડ બનાવશે.
સુરતની એ. ડી. સોની ફાઉન્ડેશનનાં ફાઉન્ડર દિશા જોષી તથા અનિકેત સોનીએ કહ્યું કે, ‘વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી અમારી સંસ્થા ધરમપુર તાલુકામાં આવેલા ભેસદરા ગામની સ્કૂલમાં આદિ ચિત્રકળા વારલીના માધ્યમથી ‘રામાયણ’ના ૬૦ થી વધુ પ્રસંગોને એક કિલોમીટર લાંબા કાપડ પર કુદરતી રંગોથી અંકિત કરશે. તા. ૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે સાડા આઠ વાગ્યે ધરમપુરની જુદી-જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ તેમજ ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટસ, ચિત્ર-શિક્ષકો તેમજ સ્થાનિક ચિત્રકારો સહિત સાત હજારથી વધુ લોકો વારલી ચિત્રકળાથી ‘રામાયણ’ના જુદા-જુદા પ્રસંગો જેમાં રામજન્મ પ્રસંગ, તાડકા વધ, સીતામાતા સાથે વનમાં જવાનો પ્રસંગ, અયોધ્યા પરત આવવાનો પ્રસંગ, અશ્વમેઘ યજ્ઞ સહિતના પ્રસંગોને એક કિલોમીટર લાંબા કાપડ પર દોરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંભવિત રીતે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયા, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ તથા સાંસદ ડૉ. કે.સી પટેલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિપદે રહેશે.
તેમણે વધુમાં કહ્યું કે ‘વારલી કળાથી આ ચિત્ર બનાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે, અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર બની રહ્યું છે એનો ઉત્સાહ છે. એટલે રામાયણના જુદા-જુદા પ્રસંગો કાપડ પર અંકિત કરીને ઉજવણી કરીશું. બાળકો આપણો ધર્મ જાણે, પ્રભુ શ્રીરામના જીવનથી માહિતગાર થાય, ‘રામાયણ’ વિશે જાણે એ ઉદ્દેશ છે. બીજી મહત્વની વાત એ છે કે, સંભવિત રીતે આવું પ્રથમવાર બનશે અને રેકૉર્ડ થશે કે વારલી ચિત્રકળાથી ‘રામાયણ’ના જુદા-જુદા પ્રસંગોના એક કિલોમીટર લાંબા કપડા પર ચિત્ર દોરવામાં આવશે. દરેક પ્રસંગનું કેલિગ્રાફીથી નામ લખાશે. આ એક યુનિક વર્લ્ડ રેકોર્ડ છે. આ વિશ્વનું પ્રથમ લાંબુ ધાર્મિક ચિત્ર હશે. આ ચિત્ર સુરત ખાતે લોક-દર્શન માટે પ્રદર્શિત કરવામાં આવશે ત્યારબાદ અયોધ્યા સ્થિત મ્યુઝિયમમાં ભેટ કરાશે.