ગુજરાત એલર્ટ | દમણ
31 ડિસેમ્બર અને નવા વર્ષના પ્રથમ દિવસે વલસાડ જિલ્લામાં પોલીસે સપાટો બોલાવી જિલ્લામાંથી દારૂના 900 થી વધુ કેસ કરી 1000 થી વધુ પીધેલાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની કડક કાર્યવાહીથી દારૂના શોખીનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને પડોશી સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જો કે દારૂની છૂટ ધરાવતા પડોશ પ્રદેશોમાંથી અનેક જગ્યાએ ખાવા પીવાની સાથે ડાન્સ અને ડી જે પાર્ટીનું આયોજન થાય છે. આથી આ પાર્ટીમાં નશો કરી અનેક શોખીનો દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશતા હોય છે. આવા શોખીનોને સબક શીખવવા દમણ અને દાદરા નગર હવેલીની ચેકપોસ્ટ પર 24 કલાક સધન પોલીસ ચેકિંગ કરવામાં આવ્યું હતું . રાતભર ચાલેલી પોલીસે કાર્યવાહીમાં સમગ્ર વલસાડ જિલ્લામાંથી દારૂબંધીના 900 થી વધુ કેસ કર્યા હતા. જેમાં 1000 થી વધુ આરોપીઓ વિરુદ્ધ પીધેલા અને દારૂના કબજાના કેસ કરવામાં આવ્યા હતા. દમણ અને દાદરા નગર હવેલીની હદ પર પોલીસ કાફલો ખડકાયો હતો. જ્યાં ચેક પોસ્ટો પરથી ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોની બ્રેથ એનાલાઈઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી. બોર્ડરની સાથે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા જે તે વિસ્તારોમાં પોલીસનું સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન જે લોકો દારૂના નશામાં ઝડપાયા હતા તેમની અટકાયત કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.