ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક જનહિતકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ તાલુકાના નનકવાડા ગામ ખાતે આવી પહોંચી હતી જેમાં વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. લાભાર્થીઓ માટે સરકારની મહત્વપૂર્ણ ગણાતી ૧૭ યોજનાઓ પૈકી આરોગ્યલક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, વીજ યોજના, પી.એમ.સ્વ નિધિ યોજના સહિતના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહી ઘર આંગણે સરકારી યોજનાના લાભો મેળવ્યા હતા.
આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ૨૨૭ લોકોએ આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી. ઉજવ્વલા યોજના હેઠળ ૧૨ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે નવા ૭૧ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાવી હતી. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ સરકારની યોજનાના લાભ બાદ જીવન ધોરણમાં આવેલા સુખદ પરિવર્તન અંગે લોકો સમક્ષ પોતાના અનુભવ જણાવતી સાફલ્ય ગાથા રજૂ કરી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે રાજ્યની સાથે સમગ્ર વલસાડ જિલ્લામાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.