ગુજરાત એલર્ટ । વલસાડ
દર માસે યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્બર- ૨૦૨૩ નો સ્વાગત – વ – ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં તા. ૨૮ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ યોજવામાં આવ્યો હતો.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ સ્વાગત કાર્યક્રમમાં આવતા પ્રશ્નોના નિકાલ બાબતે અરજદારોને સાંભળી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કુલ ૩૧ અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે પૈકી ૨૯ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. કુલ ૩૧ પૈકી ૩ પ્રશ્નો પેન્ડિંગ રહ્યા હતા જેનો જરૂરી કાર્યવાહી કરી નિવેડો લાવવામાં આવશે તથા એક પ્રશ્નના નિવારણની કાર્યવાહી હાલ શરૂ હોવાથી કાર્યવાહીનું નિરિક્ષણ કરવા માટે સૂચન કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી તેમના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ કર્યું હતું. આપ્રશ્નોમાં દરેક તાલુકામાંથી જમીન માપણી, જમીન દબાણ, સસ્તા અનાજની દુકાનો, પેન્શન, જમીન આકારણી, વારસાઈમાં સુધારો, પ્રોપર્ટીકાર્ડમાં સુધારો, નવી પંચાયત કચેરી નિર્માણ, ટ્રાસ્ફોર્મર ખસેડવા,જમીન વળતર, નવા ડામર રસ્તાઓ બનાવવા અને પ્રાથમિક શાળામાં શૌચાલય બાંધકામ તેમજ સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા અંગેના પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક કરણસિંહ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટરશ્રી અનસુયા ઝા, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે. કલસરીયા, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામિત, વલસાડ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન પટેલ, તથા વલસાડ, પારડી, ધરમપુર, વાપી અને ઉમરગામ નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.